ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આજે ‘વન નેશન, વન ઈલેક્શન’ અંગેની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો અને અધિકારીઓએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ શ્રી પી.પી. ચૌધરીની સાથે સમિતિના સભ્યશ્રીઓ સર્વશ્રી, શ્રી વિષ્ણુ દત્ત શર્મા, શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, સુશ્રી કવિતા પાટીદાર અને શ્રી પી. વિલ્સન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમિતિના વરિષ્ઠ અધિકારીશ્રીઓ શ્રી રાહુલ સિંહ, શ્રી નીતિશ યાદવ અને શ્રી દિનેશ ચૌધરી પણ સહભાગી થયા હતા.
મુલાકાત દરમિયાન, દેશમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, ખર્ચ-અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ‘વન નેશન, વન ઈલેક્શન’ ના વિચાર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય લોકશાહીની પરિપક્વતા અને ચૂંટણી સુધારાઓની આવશ્યકતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિતમાં લેવાતા આવા નિર્ણયો ભવિષ્યમાં વહીવટી સ્થિરતા અને વિકાસની ગતિને વેગ આપવામાં મદદરૂપ સાબિત થશે.
સમિતિના સભ્યોએ ‘વન નેશન, વન ઈલેક્શન’ માટે કરવામાં આવી રહેલી રાષ્ટ્રવ્યાપી પરામર્શ પ્રક્રિયા અને બંધારણીય પાસાઓ વિશે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રીએ સમિતિના સભ્યોને તેમના આ રાષ્ટ્રીય કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી અને લોકશાહીના મૂલ્યોને જાળવી રાખીને લેવામાં આવતા આ નિર્ણય માટે સમિતિના પ્રયાસોને બિરદાવ્યા હતા.















Recent Comments