અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડના રહીશો સાથે તંત્રનો અન્યાય! સી.સી. રોડમાં તિરાડો છતાં તંત્રએ માત્ર ‘નોટીસ’ આપી સંતોષ માન્યો.!!

સાવરકુંડલા શહેરના મુખ્ય અને અતિ વ્યસ્ત એવા હાથસણી રોડના બિસ્માર માર્ગ અંગે જાગૃત નાગરિક પ્રિયંક પાંધી દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી રજૂઆતો કરવા છતાં, તંત્ર માત્ર કાગળ પર જ એક્શન મોડમાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ૨૦ જેટલી સોસાયટીઓ અને ૪ ગામોને જોડતા આ મહત્વના માર્ગની કામગીરીમાં ઘોર વિલંબ અને નબળા કામને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

સ્થાનિક જાગૃત નાગરિક શ્રી પ્રિયંક પાંધી દ્વારા CMO ને કરવામાં આવેલી રજુઆત બાદ કાર્યપાલક ઈજનેરની કચેરી (પંચાયત માર્ગ મકાન વિભાગ, અમરેલી) દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તે આશ્ચર્યજનક છે. તંત્રએ પોતે સ્વીકાર્યું છે કે નવનિર્મિત સી.સી. રોડમાં તિરાડો પડી ગઈ છે. આમ છતાં, કોન્ટ્રાક્ટર એજન્સી ‘હરીઓમ કન્સ્ટ્રકશન’ સામે કોઈ કડક દંડાત્મક પગલાં લેવાને બદલે માત્ર તિરાડો રીપેર કરવા પત્ર પાઠવીને સંતોષ માની લેવામાં આવ્યો છે. 

સાવરકુંડલા થી હાથસણી ગામ સુધીના આ 7 કિલોમીટરના રસ્તામાં ડામરની કામગીરી સંપૂર્ણપણે બાકી છે. ચોમાસું હવે ગણતરીના દિવસોમાં જ આંબી જશે, ત્યારે જો તાત્કાલિક ધોરણે ડામર કામ શરૂ કરવામાં નહીં આવે તો રહીશો અને વાહનચાલકોની હાલાકીનો કોઈ પાર નહીં રહે. 

સાવરકુંડલાના અન્ય તમામ મહત્વના રોડ-રસ્તાઓ બની જતા હોય, તો હાથસણી રોડ સાથે જ કેમ આવો ઓરમાયો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે? શું અહીં રહેતા હજારો લોકો ટેક્સ ભરતા નાગરિકો નથી? તેવા વેધક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. 

આ ગંભીર અને જનહિતના મુદ્દે જાગૃત નાગરિક પ્રિયંક પાંધી દ્વારા સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર કાગળથી જ કામ કરવામાં આવતું હોય, પણ જમીની હકીકત એ છે કે લોકો હજુ પણ ખાડા અને ધૂળની ડમરીઓ વચ્ચે જીવવા મજબૂર છે. 

હવે જોવાનું એ રહે છે કે ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે અને રસ્તાનું કામ વાસ્તવિક રીતે ક્યારે શરૂ થાય છે. સ્થાનિક રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય અને ગુણવત્તાયુક્ત કામ શરૂ કરવામાં નહીં આવે, તો આ લડતને હજુ ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવશે અને ન્યાય માટે નામદાર કોર્ટના દરવાજા ખટખટાવતા પણ અચકાશે નહીં.

Related Posts