અમરેલી

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા ડો. શ્રીમતી રશ્મિબા જાડેજા ચૌહાણ સાથે મનોચિકિત્સા સંદર્ભે ચર્ચા કરતા જોવા મળેલ

​સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત અને પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ પ્રાપ્ત સાવરકુંડલા શહેરની સુપ્રસિદ્ધ સંસ્થા ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ (૧૦૦% નિઃશુલ્ક હોસ્પિટલ) ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ માનસિક રોગોથી પીડાતા દર્દીઓ માટે તદ્દન નિઃશુલ્ક મનોરોગ નિદાન અને કાઉન્સેલિંગ સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૨ વર્ષથી વધુ સમયથી મનોવિજ્ઞાનના નિષ્ણાંત તરીકે સુપ્રસિદ્ધ એવા ડો. શ્રીમતિ રશ્મિબા જાડેજા ચૌહાણ (M.S., ADC, ICADC, LPC) છેલ્લા ૧૦ વર્ષથી આ સંસ્થામાં સતત પોતાની નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે. આ વર્ષે તા. ૧૬ જૂનથી શરૂ થયેલો આ ૨૦ દિવસીય કેમ્પ આગામી તા. ૦૪ જુલાઈ ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે, જેના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

​આ કેમ્પ અંતર્ગત સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી સાથે એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયેલી વિશેષ ચર્ચા દરમિયાન ડો. રશ્મિબા ચૌહાણે ભારતમાં વર્તમાન સમયમાં વધી રહેલી માનસિક સમસ્યાઓ અને તેના નિવારણ અંગે ખૂબ જ ગહન માર્ગદર્શન આપ્યું હતું.

​ પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી સાથેની ચર્ચામાં ડૉ. રશ્મિબાએ જણાવ્યું કે, ભારતમાં હજુ પણ માથું દુખવું, ક્રોધ કરવો કે બિનજરૂરી ચિંતા (સ્ટ્રેસ) જેવા મનોવૈજ્ઞાનિક ફેક્ટર્સને ઓળખવા અને તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવાનું પ્રમાણ નહિવત છે. નાની-નાની બાબતોમાં આત્મહત્યાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, જેને યોગ્ય મનોચિકિત્સક માર્ગદર્શન અને સમયસરના કાઉન્સેલિંગ દ્વારા સરળતાથી અટકાવી શકાય છે. આ ઉપરાંત ડિજિટલ યુગમાં બિનજરૂરી મોબાઈલ, ઈન્ટરનેટ અને વિડીયો ગેમ્સ જેવા દૂષણો યુવાધન અને બાળકોને માનસિક રીતે ખોખલા કરી રહ્યા છે, જેના સ્થાને શરીરની તમામ ઇન્દ્રિયોને એક્સરસાઇઝ મળે તેવી પ્રવૃત્તિઓ અપનાવવી અનિવાર્ય બની છે.

​ તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સમયમાં તૂટતા સંયુક્ત કુટુંબો અને દાંપત્ય જીવનમાં આવતી તિરાડ કે ક્લેશ જેવી બાબતોમાં જો યોગ્ય સમયે વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજણ આપવામાં આવે તો અનેક પરિવારોના જીવન નંદનવન બની શકે છે. સહ-કર્મચારીઓ, પરિવાર અને સગા-સંબંધીઓ સાથે મૃદુ વ્યવહાર રાખીને સંબંધોને કેમ લીલાછમ રાખવા તેમજ વડીલો સાથે યંગ જનરેશનનો વ્યવહાર કેવો હોવો જોઈએ તે અંગે તેઓ દર્દીઓ અને તેમના પરિવારોને દવા વગર માત્ર થેરાપી દ્વારા સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન નાસીપાસ થયા વગર પોતાના ધ્યેયને કેમ હાંસલ કરવું તેનું પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત, ગુટખા, પાન, તમાકુ જેવા જીવલેણ વ્યસનો છોડવા માટે પણ આ કેમ્પમાં ખાસ સલાહ-સૂચન આપવામાં આવે છે.

​અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, ખાદી કાર્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન સામે, સાવરકુંડલા ખાતે છેલ્લા ૧૨ વર્ષ કરતાં વધુ સમયથી દર્દીઓને ‘નારાયણ’ નું સ્વરૂપ સમજીને તમામ મેડિકલ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા તેમજ તમામ ટ્રસ્ટીગણના કુશળ માર્ગદર્શન હેઠળ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પ્રકાશ કટારીયા તથા સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ આરોગ્ય સેવાઓની ગુણવત્તા ઉત્તરોત્તર વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

​સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને આ સુવર્ણ તકનો લાભ લેવા અને આગામી ૪ જુલાઈ સુધીમાં સંસ્થાનો સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર અને વરિષ્ઠ પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

Related Posts