અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ૦૩ જુલાઈએ અમરેલીમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓ ના વેચાણ કેન્દ્રનો પ્રારંભ થશે

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, નગરપાલિકા અમરેલી અને ABLL ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત ઉપક્રમે શરૂ થનારા આ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ તા. ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અમરેલી ખાતે નાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા નવા બસ સ્ટેન્ડ ખાતે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદહસ્તે યોજાશે.

આ વેચાણ કેન્દ્રમાં અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત સંપૂર્ણ ઝેરમુક્ત અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા, તેલ, ગોળ સહિતની વિવિધ કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. પરિણામે ગ્રાહકોને ગુણવત્તાસભર અને વિશ્વસનીય ઉત્પાદનો ઉપલબ્ધ થશે, જ્યારે ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને વાજબી ભાવ મળશે.

વેચાણ કેન્દ્ર દરરોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક તથા સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે.

અમરેલી શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકોને પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ કરવા તેમજ સ્થાનિક ખેડૂતોના આ પ્રયાસને પ્રોત્સાહન આપવા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,  દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts