ગુજરાત

ધામેલ ની દીકરી ઓનું “મિત્રતાની મહેક” થીમ હેઠળ પ્રથમ સ્નેહમિલન યોજાયું

સુરત: સમસ્ત ધામેલ ગામ સખી મંડળ દ્વારા આયોજિત “મિત્રતાની મહેક” યાદોનો સંગાથ થીમ આધારિત આદર્શ ગામ ધામેલની દીકરીઓનું સૌ પ્રથમ સ્નેહમિલન તા.04 જુલાઈ, 2026ના રોજ આમંત્રણ ગાર્ડન રેસ્ટોરન્ટ, મોટા વરાછા, સુરત ખાતે ઉત્સાહભેર યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત સખીઓના હર્ષભેર મિલન, પરસ્પર મુલાકાત અને આત્મીય ગપસપથી થઈ હતી. વર્ષો બાદ એકબીજાને મળવાનો અવસર મળતા સૌના ચહેરા પર ખુશી અને લાગણીની અનોખી ઝલક જોવા મળી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતો, જૂની યાદોની સફર, અનુભવોની આપ-લે તથા સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશની સેવા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ધામેલ ના શહીદ વીર મેહુલભાઈ ભુવાના પરિવારનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તેમના શૌર્ય અને દેશપ્રેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બાળપણ અને શાળાકાળની અનેક યાદો તાજી થતાં સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. સાંજે સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ રાસ-ગરબાની રમઝટે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો નવો રંગ ભરી દીધો હતો. પ્રેમ, મિત્રતા, એકતા અને સંસ્કારના સુંદર માહોલમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત ધામેલ ગામ સખી મંડળની આયોજક બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત તમામ સખીઓએ આયોજનની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સ્નેહમિલન કાર્યક્રમો નિયમિત યોજાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.સમસ્ત ધામેલ ગામ સખી મંડળ દ્વારા આયોજિત કરાયું હતું 

Related Posts