અમરેલી

સાવરકુંડલામાં નાવલી નદી ચોથી વખત બે કાંઠે: હીરાબજારમાં પાણી ઘૂસ્યા, રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવના પુલ પર પાણી ફર્યા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાવરકુંડલાની સ્થાનિક નાવલી નદી સતત બીજા દિવસે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે ગાંડીતૂર બની છે. ચાલુ ચોમાસાની સીઝનમાં આ ચોથી વખત નાવલી નદીમાં પૂર આવતા સમગ્ર પંથકમાં ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

​નદીના જળસ્તરમાં સતત વધારો થતાં સાવરકુંડલા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિર પાસેના પુલ પર પાણી ચડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, શહેરના મુખ્ય વ્યાપારી કેન્દ્ર એવા હીરાબજારમાં પણ નાવલી નદીના પાણી ઘૂસી ગયા છે. પૂરના પાણી હવે દુકાનોમાં પ્રવેશવાની અણી પર હોવાથી વેપારીઓમાં પોતાના માલસામાનને લઈને ચિંતા વ્યાપી ગઈ છે.

​લોકડાયરાની ખુશી કે કુદરતનો પ્રકોપ? લોકોના ટોળેટોળાં ઉમટ્યા

​સ્થાનિક લોકોમાં એવી ચર્ચા પણ જાગી છે કે તાજેતરમાં જ નાવલી નદીના પટમાં યોજાયેલા લોકડાયરાથી જાણે નદી રૂપી લોકમાતા ખુશ થઈ હોય તેમ સતત બીજા દિવસે પણ તે પૂરજોશમાં વહી રહી છે. નાવલીના આ અદભુત અને રૌદ્ર સ્વરૂપના દર્શન કરવા માટે નદી કિનારે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.

​’હવે તો નાળિયેર પધરાવો સાહેબ!’

​નાવલી નદીના સતત વધી રહેલા પ્રવાહ અને ભયજનક સપાટીને જોતા હવે સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે કે, “હવે કોઈ નાવલી નદીની આરતી ઉતારી એના પટમાં શ્રીફળ (નાળિયેર) પધરાવો સાહેબ!” જેથી નદીના પૂર શાંત થાય અને શહેર પરથી સંકટ ટળે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Related Posts