અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય ના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ પૂર જેવા માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હોવાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી પીડિતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા પત્રમાં પ્રતાપ દુધાતે જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી અનાજ, કપડાં અને અન્ય ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી છે, તેમજ ઘણા કાચા મકાનોને પણ વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે ‘કેશડોલ’ ચૂકવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
વધુમાં, ખેડૂતોની દયનીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, ખેતરોમાં વરસાદ તેમજ નદીના પુષ્કળ પાણી ભરાઈ જવાના કારણે ખેતરોના પાળા તૂટી ગયા છે અને જમીનનું ભારે ધોવાણ થતાં ખેતરો રેચક થઈ ગયા છે. ખેડૂતોએ મોંઘા ભાવના વાવેલા બિયારણ અને ખાતર સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે.
આથી, સરકારશ્રી દ્વારા અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે કરાવવામાં આવે અને પીડિત લોકોને મકાન/ઘરવખરીનું કેશડોલ તેમજ ખેડૂતોના ખેતરો ધોવાણનું વળતર તાકીદે ચૂકવવામાં આવે તેવી પત્રમાં પાઠવી ને માંગ કરવામાં આવી છે




















Recent Comments