અમરેલી

જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલ ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકાઓમાં ગત સપ્તાહે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે ગ્રામ્ય વિસ્તારો પણ અસરગ્રસ્ત બન્યા હતા. ગતરોજ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આજરોજ ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારી-બગસરા વિસ્તાર ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તાર ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા-જાફરાબાદ વિસ્તાર ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત મુખ્ય અને ગ્રામ્ય રોડ-રસ્તાની મરામતની કામગીરી,

ખેતીની જમીનનું ધોવાણ, ગ્રામ્ય રસ્તાઓનું ધોવાણ, પશુમૃત્યુ, વીજ સંબંધિત આંતરમાળખુ રીસ્ટોરેશન સહિતની બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ-રાજ્ય અને પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. હવે આ કામગીરી પૂર્ણતાની નજીક છે. મોટાભાગના રોડ-રસ્તાઓ પૂર્વવત શરૂ કરવામાં આવ્યા છે.

બેઠકમાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્ય સંબંધિત પગલા લેવા સહિતની બાબતે સંબંધિત અધિકારીશ્રીને સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે અને વીજપોલ ધરાશાયી થયા અથવા વીજ લાઈનોને નુકશાન થયું છે, તે સંબંધિત કામગીરી પણ વિવિધ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, જે જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત વોટર વે ક્લીનીંગ, નદી નાળામાંથી કચરો હટાવવા સંબંધિત કામગીરી પણ ઝડપભેર કરવામાં આવશે.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા,માર્ગ અને મકાન-રાજ્ય નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી  હેતત્સવ ધોલાવાલા, માર્ગ અને મકાન-પંચાયત નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ઈરીગેશન રાજ્યના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વાજા, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts