પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધનનો ઉત્કૃષ્ટ સંદેશ આપતી એક ઐતિહાસિક ઘટના સાવરકુંડલા શહેરમાં આકાર પામી છે. જેસર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સાવરકુંડલા શહેરમાં સૌપ્રથમ વખત ભવ્ય અને દિવ્ય ‘શ્રી જગન્નાથ રથયાત્રા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં માત્ર ધાર્મિકતા જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સેવાભાવના દ્રઢ થાય તેવા પ્રેરણાદાયી કાર્યો જોડાતા સમગ્ર શહેરમાં તે ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રથયાત્રાના પ્રારંભે ભગવાન શ્રી જગન્નાથજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના તેમજ મહાઆરતી કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે સંસ્થાના કોઠારી સ્વામી શ્રી અક્ષરમુક્તદાસજી સ્વામી, ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ, ભાજપ અગ્રણી શ્રી જીવનભાઈ વેકરીયા તથા શ્રી હરેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે આચાર્ય શ્રી કૌશિકભાઇ ગોસ્વામી દ્વારા ભગવાનની આરાધનામાં સુંદર નૃત્ય અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત હરિભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પૂજન અર્ચન બાદ દિવ્ય રથયાત્રાએ જેસર રોડના મુખ્ય માર્ગ પર પ્રસ્થાન કર્યું હતું. આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્સવની સાથે સેવાનો હતો. રથયાત્રા ગરીબ લોકોના આવાસ (ઝૂંપડપટ્ટી/વસાહતો) સુધી પહોંચી હતી, જ્યાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદોને વસ્ત્રદાન તેમજ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા સમર્પણ ગૌશાળા ખાતે પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ ગાય માતાને લીલો ઘાસચારો નીરવાનો અલૌકિક લાભ લીધો હતો. વિદ્યાર્થી અવસ્થાથી જ બાળકોમાં ધાર્મિક ભાવના સાથે જીવદયા અને માનવસેવાના સંસ્કાર સિંચાય તેવો આ ભગીરથ પ્રયાસ હતો.
દાતાઓનો ઉદાર સહયોગ
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શહેરના અગ્રણીઓએ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો:
શૈક્ષણિક કીટ શાળા નંબર 6 ના આચાર્ય શ્રી રસિકભાઈ ધડુક તરફથી મહત્વનું યોગદાન મળ્યું હતું.
રાજસ્થાન કટપીસ સેન્ટરના પોપટ પરિવાર તરફથી કપડાંનું યોગદાન આપવામાં આવ્યું હતું.
શ્રી યોગેશભાઈ લશ્કરી અને વિશાલભાઈ કાબરીયાએ ગૌમાતાના ઘાસચારા માટે આર્થિક સહયોગ આપ્યો હતો.
શહેરમાં પ્રથમ વખત નીકળેલી આ રથયાત્રાને વધાવવા માટે સાવરકુંડલાના નગરજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રથયાત્રાનું સ્વાગત ઠંડા પાણીની બોટલો, શરબત, બિસ્કીટ અને ચોકલેટ વગેરે આપીને કર્યું હતું. આ સમગ્ર યાત્રામાં સૌથી મોટું અને અનેરું આકર્ષણ શાળાનો વિદ્યાર્થી ‘વીરુ’ બન્યો હતો, જેણે ‘બાળ જગન્નાથ’નું સુંદર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ નાનકડા બાળકના દર્શન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આજની નવી પેઢી જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહી છે, ત્યારે વિદ્યાર્થી અવસ્થા દરમિયાન જ આવી સેવાકીય પ્રવૃત્તિઓ અને ધાર્મિક ભાવના બળવત્તર બને તે જ ભારતીય સંસ્કૃતિની સાચી પહેચાન છે. આ પ્રસંગે એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, આજના સમયમાં આવા ગુરુકુળો જ આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનું સાચું રક્ષણ અને સંવર્ધન કરી શકે છે. સમગ્ર આયોજન બદલ ગુરુકુળ પરિવાર અને સહયોગીઓને નગરજનોએ ખૂબ ખૂબ બિરદાવ્યા હતા.


















Recent Comments