અમરેલી

મંત્રી કૌશિકભાઈ વેકરિયાના સતત પ્રયાસોથી દેવભૂમિ દેવળિયાના પૌરાણિક શિવ મંદિરના વિકાસને મળી વધુ ₹૨.૫૭ કરોડની મંજૂરી

અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામે આવેલ પૌરાણિક શિવ મંદિરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વધારાના ₹૨.૫૭ કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રોજેક્ટ માટે ₹૬૩.૧૭ લાખની મંજૂરી આપવામાં આવી હતી, વધારાના ₹૨.૫૭ કરોડ મંજૂર થતા સમગ્ર મંદીર પરિસર કુલ ₹૩.૨૧ કરોડ ના ખર્ચે તૈયાર થનાર છે. આ મંજૂરીથી દેવભૂમિ દેવળિયા આસ્થાના કેન્દ્ર સાથે-સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનનું મહત્વનું આકર્ષણ બનશે.

આ મંજૂરી માટે રાજ્ય સરકારમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નો નિર્ણાયક રહ્યા છે. મંદિરના ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન મહત્વને ધ્યાનમાં રાખીને તેમણે સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી.

આ વિકાસ યોજનાના ભાગરૂપે મંદિર પરિસરમાં અંદાજે ૩૫ ફૂટ ઊંચા મુખ્ય શિખરનું નિર્માણ, યજ્ઞશાળા, પૂજારી નિવાસ, ગેઝિબો, લીલી પોન્ડ, આકર્ષક પ્રવેશદ્વાર, પુરુષ અને મહિલા માટે અલગ શૌચાલય, સુવ્યવસ્થિત બગીચો, તેમજ ભક્તજનોને વધુ સુવિધા મળી રહે તે માટે જરૂરી અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ પરંપરાગત વાવ, પરિસર, હરિયાળી અને અન્ય સુવિધાઓ દ્વારા સમગ્ર સ્થળને આધ્યાત્મિકતા અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે વિકસાવવામાં આવશે.

અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારમાં મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, “આસ્થા અને વિકાસ એકબીજાના પૂરક છે. આપણી સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને આધુનિક સુવિધાઓનો સમન્વય એ વિકસિત ગુજરાતની ઓળખ છે. દેવભૂમિ દેવળિયાના પૌરાણિક શિવ મંદીરનો વિકાસ સમગ્ર વિસ્તારના ધાર્મિક પ્રવાસન, સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ આપશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વિરાસત પણ, અને વિકાસ પણ” વિઝનને સાકાર કરતી આ મંજૂરી રાજ્ય સરકારની સાંસ્કૃતિક વારસાના સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકલ્પ પૂર્ણ થયા બાદ દેવભૂમિ દેવળિયા રાજ્યના મહત્વના ધાર્મિક પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવશે અને ભક્તો તથા પ્રવાસીઓ માટે વધુ આકર્ષક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસશે.

આ પ્રસંગે શ્રી કૌશિકભાઈ વેકરિયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી તથા રાજ્યમંત્રીશ્રી જયરામભાઇ ગામિતનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts