અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા ની કાણકિયા કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે તા. 29 જુલાઈ 2026 ને બુધવારના રોજ  ગુરુપુર્ણિમાના પાવન પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. 

કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ સમૂહપ્રાર્થના સાથે થઈ હતી. ત્યાર બાદ કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાએ જીવનમાં ગુરુનું સ્થાન અને મહત્વ તેમ જ કારકિર્દી ઘડતરમાં ગુરુના પ્રદાન પર ખૂબ જ પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને તેમણે આ તકે શુભકામનાઓ પાઠવી હતી. 

ગુરુપૂર્ણિમા ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે એક વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભર ભાગ લીધો હતો. સ્પર્ધકો દ્વારા વિદ્યાર્થી જીવનમાં ગુરુનું સ્થાન, સાંપ્રત સમયમાં ગુરુ-શિષ્ય સંબંધની આવશ્યકતા, ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા તેમ જ ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા અને પ્રાચીન ગુરુકુળો જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. 

આ સ્પર્ધામાં આશ્વાસન ઈનામ પીપળીયા દિવ્યા (F.Y.B.A.)ને પ્રાપ્ત થયું હતું. તૃતીય ક્રમે કનોજીયા તમન્ના (T.Y.B.A.)  અને કાતરિયા વિભા (T.Y.B.A.), દ્વિતીય ક્રમે સોલંકી દ્રષ્ટિ (T.Y.B.Com.) અને કનાલા નુપુર (S.Y.B.A.) અને પ્રથમ ક્રમે નનેરા દેવાંશી (T.Y.B.Com.)  વિજેતા બન્યા હતા.  આચાર્યશ્રી તેમ જ તમામ સ્ટાફ મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

 સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અંગ્રેજી વિભાગના પ્રો. ડો. હાર્દિક ઉદેશી અને કોમર્સ વિભાગના પ્રો. ડો. કલ્પેશ રાડિયાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને સંચાલન એન. એસ. એસ. વિભાગના પ્રોગ્રામ ઑફિસર અને ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. આશિષ જે. ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે .

Related Posts