તા. 15મી ઓગસ્ટ, 2026ના રોજ અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા તા. 01/08/2026 થી 14/08/2026 દરમિયાન શહેરવ્યાપી વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સરકારી કચેરીઓ, બજાર વિસ્તારો તથા અન્ય મહત્વના સ્થળોને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવી રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે શહેરને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનો છે.
જે અન્વયે આજરોજ અમરેલી નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરી સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર વિસ્તારને કચરામુક્ત બનાવી, માર્ગો અને આસપાસના વિસ્તારોની સુવ્યવસ્થિત સફાઈ કરવામાં આવી તેમજ શહેરના સૌંદર્યમાં વધારો થાય તે દિશામાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
અમરેલી નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની વિશેષ સ્વચ્છતા ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
અમરેલી નગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના ઘર, વેપાર-ધંધાના સ્થળો તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવી રાખે, કચરો જાહેરમાં ન ફેંકે અને આ સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિય સહભાગી બની “સ્વચ્છ અમરેલી – સુંદર અમરેલી” ના સંકલ્પને સાકાર કરવામાં સહયોગ આપે.















Recent Comments