અમરેલી

નેશનલ હાઈવે-351F  પર અનધિકૃત દબાણો દૂર કરવા NHAIની કડક કાર્યવાહી

રોડ યુઝર્સની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), PIU રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમરેલી-ચાવંડ-ઢસા ચોકડી (NH-351F)ની રાઈટ ઓફ વે (ROW)માં આવેલા તમામ અનધિકૃત દબાણો, ગેરકાયદેસર બાંધકામો અને અન્ય અવરોધો દૂર કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અબ્દુલ્લાહ ખાને અમરેલી જિલ્લાના નાગરિકો, વેપારીઓ, હોટેલ સંચાલકો, પેટ્રોલ પંપ સંચાલકો તેમજ અન્ય મિલકત ધારકોને અનુરોધ સાથે સૂચના આપી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગની રાઈટ ઓફ વે (ROW)માં આવેલા તમામ અનધિકૃત દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સ્વખર્ચે અને સ્વયં બે દિવસની અંદર દૂર કરી દેવામાં આવે. આ અંગે સંબંધિત વ્યક્તિઓને લાગુ નિયમો મુજબ જરૂરી નોટિસોની બજવણી પણ કરવામાં આવી ચૂકી છે.

શ્રી અબ્દુલ્લાહ ખાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર સંપત્તિ છે અને તેની રાઈટ ઓફ વેમાં કરવામાં આવેલા અનધિકૃત દબાણો રોડ યુઝર્સની સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે. માર્ગ સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને આવા દબાણો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે, તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬થી NHAI PIU રાજકોટ દ્વારા સાઇટ એન્જિનિયર શ્રી વત્સલ પરસાણીયાની આગેવાનીમાં જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રના સહયોગથી વિશેષ અમલીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની રાઈટ ઓફ વે (ROW)માં આવેલા તમામ અનધિકૃત દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર અથવા તેનો અનધિકૃત ઉપયોગ કરનાર વ્યક્તિઓ સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અબ્દુલ્લાહ ખાને વધુમાં જણાવ્યું હતું કે, નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની વિનંતી કે રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ત્યારબાદ NHAI દ્વારા નિયમો અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીમાં થયેલ ખર્ચ, નુકસાન તેમજ અન્ય તમામ જવાબદારીઓ સંબંધિત દબાણકર્તાઓ પાસેથી નિયમ મુજબ વસૂલ કરવામાં આવશે.

NHAI દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને સુરક્ષિત, અવરોધમુક્ત અને સુવ્યવસ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાળવવા તેમજ રોડ યુઝર્સની સલામતી સુનિશ્ચિત કરવા આ જનહિતના અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Related Posts