અમરેલી

અમરેલીમાં મૂકબધિર શાળાના બાળકોને શૈક્ષણિક અને સ્પોર્ટ્સ કીટનું વિતરણ

અમરેલી શહેરની મૂકબધિર શાળા ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો માટે શૈક્ષણિક કીટ અને સ્પોર્ટ્સ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી કોશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે ખુશીની પળો માણી હતી.

આ પ્રસંગે બાળકોને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી તેમજ રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ મળતાં બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે સંવાદ કરી તેમના અભ્યાસ અને રમતગમત અંગેની પ્રવૃત્તિઓ વિશે પણ જાણકારી મેળવવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી કોશિક વેકરિયાએ જણાવ્યું કે સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના બાળકોને શિક્ષણની સાથે રમતગમત માટે જરૂરી સાધનો અને પ્રોત્સાહન મળે તે ખૂબ જ જરૂરી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી નાની એવી મદદ પણ તેમના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.

શિક્ષણ એ બાળકોના સશક્તિકરણનું સૌથી મહત્વનું માધ્યમ છે. યોગ્ય શૈક્ષણિક સાધનો સાથે રમતગમતની તકો મળવાથી બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને આગળ વધવાની ભાવના વિકસે છે.

કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર જોવા મળેલું સ્મિત અને ખુશી ઉપસ્થિત સૌ માટે આનંદની પળ બની હતી. આ પ્રકારના સેવાકીય પ્રયાસોથી જરૂરિયાતમંદ બાળકોને પ્રોત્સાહન મળવાની સાથે સમાજમાં સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીની ભાવના પણ મજબૂત બને છે.

Related Posts