ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પ્રતિષ્ઠિત STEM Quizમાં સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી આરબ કામિલે ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળા તથા સમગ્ર સાવરકુંડલા પંથકનું નામ રોશન કર્યું છે.
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસાવૃત્તિ ખીલે તેવા ઉદ્દેશ્યથી આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરબ કામિલે પોતાની પ્રતિભા દર્શાવી રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાસિલ કરી હતી. આ સફળતા બદલ GUJCOST, ગાંધીનગર તરફથી તેને Samsung કંપનીનું ટેબલેટ ભેટરૂપે આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને STEM Quizના કન્વીનર હરેશભાઈ ગુજરાતી તથા નીતિનભાઈ સાવજ તરફથી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે આરબ કામિલને શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત, શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી જીતુભાઈ ભટ્ટ તથા સમગ્ર શિક્ષક પરિવારે પણ વિદ્યાર્થીને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
શાળા પરિવારનું માનવું છે કે આરબ કામિલની આ સિદ્ધિથી અન્ય વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે.


















Recent Comments