અમરેલી

ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓને બિરદાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમરેલી ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી સ્ટાર્ટઅપ સ્ટુડિયોની નવીન અને પ્રેરણાદાયી કામગીરીની રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ નોંધ લઈ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા.

રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમ દરમિયાન માનનીય રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સંચાલકશ્રી સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શાળામાં કાર્યરત સ્ટાર્ટઅપ સ્ટુડિયોની કામગીરી, વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ તેમના ઉદ્યોગસાહસિક અભિગમ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૨૧ લાખની પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અને તેમના નવીન વિચારોથી પ્રભાવિત થઈ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ તેમજ શાળાના સંચાલકશ્રીને વિશેષ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવેલી વિશેષ સ્મૃતિભેટ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતું ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલનું સ્ટાર્ટઅપ સ્ટુડિયો મોડેલ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત ન રાખી તેમને ‘વિચારથી ઉત્પાદન અને ઉત્પાદનથી બજાર’ સુધીની વ્યવહારુ સફરનો અનુભવ કરાવી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા મળેલું આ પ્રોત્સાહન શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર કલામ કેમ્પસ પરિવાર માટે ગૌરવની સાથે આગામી સમયમાં વધુ નવીન કાર્ય કરવા માટેની પ્રેરણારૂપ સિદ્ધિ બની છે.

Related Posts