અમરેલી

સામાજિક સમરસતા અને સજીવ ખેતીનું ઉત્કૃષ્ટ ધામ: ખડસલી લોકશાળા

​સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ ખડસલી લોકશાળા ગાંધી વિચાર, સમૂહ શિક્ષણ, નઈ તાલીમ અને પ્રાકૃતિક કૃષિના સમન્વય સાથે વિદ્યાર્થીઓને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવતી એક માધ્યમ તરીકે ઊભરી આવી છે. આ શાળામાં કાગળ પરના જ્ઞાન ઉપરાંત જીવનઉપયોગી મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે.

ધોરણ-૯ માં કોઈ પણ લાગવગ વગર ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. બક્ષીપંચ અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹૨૧,૦૦૦ લવાજમ રાખવામાં આવ્યું છે, જેમાં ભોજન, કમ્પ્યુટર ફી, બે જોડી ગણવેશ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. જ્યારે બી.સી. કેટેગરીના બાળકોની ફી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચૂકવાતી હોવાથી તેમના માટે આ શિક્ષણ નિઃશુલ્ક રહે છે.

કેમ્પસમાં જ આવેલી ગૌશાળાની ગીર ગાયોનું ૪૦૦ ગ્રામ (બે ટાઈમ ૨૦૦-૨૦૦ ગ્રામ) શુદ્ધ દૂધ અને સાત્વિક નાસ્તો-ભોજન બાળકોને પીરસવામાં આવે છે. કેમ્પસની વિશાળ જમીનમાં જીવામૃત આધારિત પેસ્ટીસાઈડ-મુક્ત સજીવ ખેતી કરવામાં આવે છે. આંબાવાડી, ચીકુડી, દાડમી, જામફળ જેવા ફળવૃક્ષો અને શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક ખોરાક પૂરો પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ સ્વયં ઓર્ગેનિક ખેતીના પાઠ શીખી સમાજને સજીવ ખેતી તરફ વાળવા પ્રેરણારૂપ બને છે.

આ કેમ્પસમાં વેટરનરી સાયન્સનો ૬ સેમેસ્ટરનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે. સંસ્થાના મંત્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, પ્રમુખ હિંમતભાઈ ગોડા અને આચાર્ય મકવાણા સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે.

સંનિષ્ઠ સિનિયર શિક્ષક ગોવાભાઈ જાહેર રજાના દિવસોમાં પણ વિવિધ શિક્ષણેતર પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. વર્ષ ૨૦૨૯ માં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જે ખોટ પૂરવી સંસ્થા માટે પડકારરૂપ રહેશે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં ઉચ્ચ હોદ્દાઓ પર કાર્યરત છે અને અવારનવાર માતૃસંસ્થાની મુલાકાત લઈ તેને ઉપયોગી થવાનો પ્રયાસ કરે છે. આ અનોખી સંસ્થાની મુલાકાત દેશ અને રાજ્યના અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ લેતા રહે છે.

Related Posts