હાલમાં ૨૫ ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ચક્ષુદાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ, અમરેલી ખાતે માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.
તાજેતરમાં શ્રી દામજીભાઈ દેવજીભાઈ વ્યાસનું દુઃખદ અવસાન થતાં, તેમના પરિવારજનોએ શોકની ક્ષણોમાં પણ હિંમત દાખવીને દિવંગત સ્વજનનું નેત્રદાન (ચક્ષુદાન) કરવાનો ઉમદા અને પવિત્ર નિર્ણય લીધો હતો.
આ સંવેદનશીલ નિર્ણયને અમલમાં મૂકવા માટે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. પંડ્યા મેડમે ત્વરિત સજગતા દાખવીને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જરૂરી કાનૂની અને તબીબી પ્રક્રિયા પૂર્ણ કરીને સફળતાપૂર્વક ચક્ષુદાન મેળવવામાં આવ્યું હતું. આ સમગ્ર ચક્ષુદાન પ્રક્રિયાને સુચારૂ રૂપે પૂર્ણ કરાવવામાં શ્રીમતી ઈલાબેન વાઢેર તેમજ ડૉ. શ્રી હરેશભાઈ યાદવ સાહેબનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.
શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલની સમયસૂચકતા અને સજગતાના પરિણામે હવે બે દ્રષ્ટિહીન વ્યક્તિઓના અંધકારમય જીવનમાં રોશની પથરાશે. નોંધનીય છે કે, સેવાભાવી શ્રી મેહુલભાઈ વ્યાસના અવિરત પ્રયાસોથી આ ૬૯૪મું ચક્ષુદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. દિવંગત આત્માના પરિવારે લીધેલા આ નિર્ણયથી સમાજમાં નેત્રદાન પ્રત્યે જાગરૂકતા વધશે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.















Recent Comments