તુલસીશ્યામમાં કૃષ્ણ જન્મોત્સવનો થનગનાટ: જન્માષ્ટમી પર્વે ભગવાન શ્યામને પ્રથમ વખત ખુલ્લા પરદે કરાશે મહાઅભિષેક
સાતમ-આઠમના તહેવારોમાં હજારો ભાવિકો દર્શને ઉમટી પડશે ; તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદ અને વિશેષ પાર્કિંગ સહિતની સુવિધા ;સોનાના મુગટ-કુંડળથી સુશોભિત થઈ કાળિયા ઠાકર ભક્તોને આપશે દિવ્ય દર્શન
તા.2.09.2026
ગીરના ઘનઘોર જંગલની ગોદમાં આવેલ ઐતિહાસિક તથા પરમ પવિત્ર તીર્થધામ તુલસીશ્યામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉત્સાહ અને ભક્તિસભર માહોલમાં ઉજવાશે. ગોકુલ આઠમ તા. ૪ સપ્ટેમ્બરને શુક્રવારના પાવન દિવસે સવારથી જ મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિવિધાન સાથે વિવિધ કાર્યક્રમોની શ્રૃંખલા શરૂ થઈ જશે. શ્યામ ભક્તોમાં જન્માષ્ટમી પર્વને લઈને ભારે થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
આ વર્ષે જન્માષ્ટમી ઉત્સવમાં વિશેષ આકર્ષણ ભગવાન સુંદરશ્યામનો મહાઅભિષેક રહેશે. સર્વપ્રથમ વખત પ્રભુ શ્યામને પવિત્ર દ્રવ્યો અને વિવિધ પૂજન સામગ્રી વડે શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવામાં આવશે. ભગવાન શ્યામના દરબારમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણના સાક્ષી બની શકે અને પ્રભુ સ્નાનના દિવ્ય દર્શનનો લાભ લઈ શકે તે માટે આ સ્નાનવિધિ સંપૂર્ણપણે ખુલ્લા પડદે યોજાશે.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્યામને વિશેષ રૂપે તૈયાર કરાયેલા રાજવી વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે. પ્રભુ સોનાના મુગટ અને કુંડળથી સુશોભિત થઈ રાજાધિરાજ સ્વરૂપે ભક્તોને દર્શન આપશે. મંદિરના ગર્ભગૃહમાં સાચા સુગંધી પુષ્પોની સજાવટ કરાશે. જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર તેમજ ગરમ પાણીના કુંડ વિસ્તારમાં અદ્ભુત રોશનીનો ઝળહળાટ કરાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલું આ સ્થાનક ધાર્મિક દ્રષ્ટિએ ગોકુલ-મથુરા અને દ્વારકા જેટલું જ મહાત્મ્ય ધરાવે છે, તેથી ભક્તો તેને શ્રદ્ધાથી ‘ગીરનું દ્વારકા’ પણ કહે છે. સાતમ-આઠમ દરમિયાન અહી સરેરાશ એકાદ લાખ યાત્રિકોનો માનવમેળો જામવાની અપેક્ષા છે. ભક્તોની વિશાળ જનમેદનીને ધ્યાને રાખીને તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, છાંયડા અને મહાપ્રસાદ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વાહનોના પાર્કિંગ માટે અલાયદી નવી જગ્યા ઉભી કરવામાં આવી છે. પ્રતિવર્ષ વન વિભાગનો સહયોગ સાંપડે છે.
શ્રાવણ માસની શરૂઆતથી જ તુલસીશ્યામના કુદરતી વાતાવરણ અને પવિત્ર ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા માટે યાત્રિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે રાત્રિના ૧૨ના ટકોરે શંખનાદ, ઝાલરના રણકાર અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ના ગગનભેદી નારા સાથે પ્રભુ શ્યામના જન્મના વધામણાં કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટગણ ખાસ ઉપસ્થિત રહી યાત્રિકોની સેવા-સુવિધાઓ અને તમામ આયોજન પર સતત નજર રાખશે.















Recent Comments