અમરેલી જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમજ ઉપલબ્ધ વરસાદી પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલમાં અમરેલી જિલ્લામાં ખરીફ ઋતુમાં કુલ સરેરાશ વાવેતર વિસ્તાર ૫,૬૭,૬૬૯ હેક્ટર સામે ૫,૬૭,૬૬૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે કપાસ ૨.૭૮ લાખ હેક્ટર, મગફળી ૨.૨૫ લાખ હેક્ટર, તુવેર ૪,૮૯૬ હેક્ટર, સોયાબીન ૧૬,૫૪૭ હેક્ટર તથા ઘાસચારો ૧૭,૫૮૩ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. જિલ્લામાં કુલ સરેરાશ ૬૯૬ મી.મી. વરસાદની સામે અત્યાર સુધીમાં ૫૧૪ મી.મી. એટલે કે ૭૩.૮૯ ટકા વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેંચાવાના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તેમણે પાકની કટોકટીની અવસ્થા જેવી કે વિકાસ અવસ્થા, વૃદ્ધિ અવસ્થા, ફૂલ અવસ્થા, સુયા બેસવાની અવસ્થા, ચાપવા બંધાવાની અવસ્થા, સિંગ બાંધાવાની તથા દાણા ભરાવાની અવસ્થાએ ક્યારામાં પિયત આપવાને બદલે આંતરપટે એટલે કે એકાંતર ચાસે પિયત આપવું. આ પદ્ધતિથી અંદાજે ૩૫ ટકા પિયત પાણીની બચત થઈ શકે છે. ડ્રીપ તથા ફુવારા પિયત પદ્ધતિ ઉપલબ્ધ હોય તો તેનો મહત્તમ ઉપયોગ કરવા પણ ખેડૂતોને જણાવાયું છે.
કેશાકર્ષણથી જમીનમાં રહેલો ભેજ ઉડી ન જાય તે માટે લાંબા ગાળે વવાતા તથા હારબંધ વવાયેલા પાકોમાં આંતરખેડ કરવા ભલામણ કરવામાં આવી છે. જે પાકોમાં નિંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં સમયસર નિંદામણ કરી પાકને નિંદામણમુક્ત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી નિંદામણ દ્વારા જમીનનો ભેજ ઓછો ન થાય.
જો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધુ હોય તો જરૂરી અંતરે નિંદામણના અવશેષો, ખેતીનો કચરો તથા વિવિધ પાકોના બિનઉપયોગી ફોતરાને પાકની બે હાર વચ્ચે પાથરી મલ્ચિંગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતર ન આપવા તથા શક્ય અને જરૂરી હોય તો નેનો યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા છંટકાવ કરવા ભલામણ કરવામાં આવી છે.
હાલમાં ખાસ કરીને કપાસના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હોવાથી પાક ઉત્પાદન પર અસર ન થાય તે માટે સાંજના સમયે ભલામણ મુજબની પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ અથવા લીંબોળીના તેલનો છંટકાવ કરી જીવાતનું નિયંત્રણ કરવા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા નેનો યુરિયા, નેનો ડીએપી, બાયો પેસ્ટીસાઇડ, બાયો એજન્ટ વગેરે ઇનપુટ પર કુલ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૫૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે. આ સહાયનો લાભ લેવા ખેડૂતોને પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવા જણાવાયું છે.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, પાકને પાણીની નહીં પરંતુ ભેજની જરૂરિયાત હોય છે. તેથી ‘વધારે પાણી એટલે વધારે ઉત્પાદન’ એવી ગેરસમજ દૂર કરી ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. વરસાદ ખેંચાવાના કારણે ખેતી પાકોને બચાવી ઉત્પાદન પર કોઈ માઠી અસર ન થાય તે માટે ઉપરોક્ત જરૂરી પગલાં લેવા તમામ ખેડૂતમિત્રોને ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાકમાં રોગ-જીવાત કે અન્ય કોઈ સમસ્યા જણાય તો વધુ માર્ગદર્શન માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.), ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) તથા નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ)નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર પણ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments