રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી તેનો લાભ પહોંચાડવાના હેતુથી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ ના એક્શન પ્લાન બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તા. 24મી માર્ચ, 2026 ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની દ્વિતીય પરિષદ દરમિયાન રજૂ કરાયેલી ૨૬ મુખ્ય ભલામણોના ત્વરિત અમલીકરણ પર ભાર મૂકાયો હતો.
પરિષદમાં ખાસ કરીને ચેપી રોગોના નિયંત્રણ, માતા અને બાળ આરોગ્ય તેમજ માનસિક સ્વાસ્થ્યને લગતી ભલામણો પર પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને આદેશ આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ ભલામણો માત્ર કાગળ પર ન રહેતા ચોક્કસ એક્શન પ્લાન દ્વારા પાયાના સ્તરે પરિણામલક્ષી રીતે અમલી બને તે અત્યંત જરૂરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી પ્રફુલ પાનશેરીયાએ ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ક્ષયના દર્દીઓની દવાઓની નિયમિતતા જાળવીને તાલુકા અને જિલ્લાઓને ‘ક્ષય મુક્ત’ બનાવવાનો લક્ષ્યાંક રાખવા મીટીંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં બાંધકામ અને ઔદ્યોગિક સાઇટ્સના શ્રમિકો માટે શ્રમ વિભાગ સાથે મળીને ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજાશે. ક્ષયના દર્દીઓમાં કુપોષણથી થતા મૃત્યુ અટકાવવા જિલ્લાવાર એક્શન પ્લાન ઘડી પોષણ સહાય અપાશે.
આ ઉપરાંત માતા અને કિશોરી આરોગ્યની સમીક્ષા કરતાં મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં પૂર કે કુદરતી પરિસ્થિતિના કારણે સંપર્ક વિહોણા બનતા અંતરિયાળ વિસ્તારો માટે ખાસ રેફરલ પ્રોટોકોલ સાથેની સ્વાસ્થ્ય સિસ્ટમ તૈયાર કરાશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ વિશેષ હેલ્થ એક્શન પ્લાન બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની આશ્રમશાળાઓમાં RBSK ટીમો દ્વારા તરુણ-તરુણીઓમાં આરોગ્ય અને પોષણ અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
બાળ આરોગ્ય સુધારણા અને માતા-શિશુ મૃત્યુદર ઘટાડવા અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું હતું કે, માતા અને બાળ મૃત્યુદર વધુ હોય, તેમજ 4 કે તેથી વધુ વખત સગર્ભા બનતી માતાઓનુ પ્રમાણ વધુ હોય તેવા તાલુકા અને કમ્યુનીટીમા આરોગ્ય વિભાગ દ્વારા, વિશેષ પ્લાન બનાવી અમલ કરવામા આવશે જેથી માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં મહત્તમ ઘટાડો લાવી શકાય. આ ઉપરાંત શ્રમિક પરિવાર અને ગર્ભવતી માતાઓના ૧૦૦ ટકા રસીકરણ માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સુચન કર્યું હતું. બાળ-લગ્ન અટકાવવા સંલગ્ન વિભાગને જાણ કરી કામગીરી કરવા જણાવ્યુ.
સ્વાસ્થ્ય પરિષદમાં ગ્રામીણ સ્તરના ફીડબેકની સમીક્ષા કરતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ એક અત્યંત સંવેદનશીલ અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આસ્થા અને પૂજા-અર્ચનાનું પોતાનું સ્થાન છે, પરંતુ જ્યારે સગર્ભા માતા કે બાળકના આરોગ્યની વાત હોય ત્યારે અંધશ્રદ્ધામાં સમય વેડફવાને બદલે તેમને તુરંત તબીબી સારવાર માટે નજીકના દવાખાને લઈ જવા જોઈએ. આ બાબતે ગ્રામ્ય સ્તરે વ્યાપક સામાજિક જાગૃતિ ફેલાવવા આરોગ્ય ટીમો અને સ્થાનિક વહીવટી તંત્રને મંત્રીશ્રીએ ખાસ નિર્દેશ આપ્યા હતા.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મહિલા-બાળ વિકાસ, શ્રમ અને શિક્ષણ વિભાગ તેમજ આદિજાતી વિકાસ વિભાગ સાથે સંકલન સાધીને યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.















Recent Comments