અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિસભર ભવ્ય ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ‘જન્માષ્ટમી’ પર્વની અત્યંત ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ, સંસ્કાર અને ઉત્સાહના અનોખા સંગમ સમો આ મહોત્સવ સમગ્ર ગુરુકુળ પરિસરમાં આનંદનું વાતાવરણ પ્રસરાવી ગયો હતો.

​આ પાવન પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સંતોએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમી જેવા ધાર્મિક પર્વો દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોનું જતન થાય છે. સંતોએ સૌને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી ધર્મ, સત્ય, કર્તવ્યનિષ્ઠા અને ભક્તિ જેવાં જીવનમૂલ્યો અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

​મહોત્સવ દરમિયાન ગુરુકુળના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા નયનરમ્ય રાસલીલા રજૂ કરવામાં આવી હતી. રાધા-કૃષ્ણ અને ગોપ-ગોપીઓના પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

​આ ઉપરાંત, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને રોમાંચથી ભરેલા આ કાર્યક્રમે ઉપસ્થિત સૌમાં અનોખો ઉમંગ ઉમેર્યો હતો.

​કાર્યક્રમના પ્રારંભે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌ ભાવિકો અને વિદ્યાર્થીઓ માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા માટે ગુરુકુળના સંતો, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભારે જિહાદ અને ઉત્સાહપૂર્વક સેવા-સહયોગ આપ્યો હતો.

Related Posts