અમરેલી

જીવનના પથદર્શક ગુરુ ચુનીભાઈ કાકડિયાના આશીર્વાદ થી સંસ્કાર અને સમર્પણનો અનોખો સંગમ

​જીવનમાં ક્યારેક કોઈ ક્ષણિક ઘટના કે ટર્નિંગ પોઈન્ટ સમગ્ર ભવિષ્યની દિશા બદલી નાખતો હોય છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ જગત અને વર્તમાન સમાજ વ્યવસ્થા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા અમરેલી જિલ્લાના જાણીતા નિવૃત્ત શિક્ષક અને વર્તમાન ડિજિટલ ન્યૂઝ માધ્યમના તંત્રી બિપીનભાઈ પાંધી (પાંધીસર)ની જીવનકથા આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.

બાળપણમાં ચલાલા ખાતે અભ્યાસ દરમિયાન પિતાજીએ વાર્ષિક પરીક્ષામાં ન મોકલતા, છઠ્ઠા ધોરણના શિક્ષક શ્રી ચુનીભાઈ કાકડિયાએ કેબિને આવીને પિતાજીને ઠપકો આપ્યો હતો. ગુરુજીના એ આગ્રહને કારણે પરીક્ષામાં બેસવાની પરવાનગી મળી અને માત્ર બે જ દિવસમાં તમામ પેપરો લખીને તેમણે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. બિપીનભાઈ જણાવે છે કે, જો તે દિવસે શ્રી ચુનીભાઈ કાકડિયા ના આવ્યા હોત તો કદાચ તેઓ એક અણઘડ “ફેરીયા” બનીને રહી ગયા હોત. શિક્ષણ ક્ષેત્રે આ જ ગુરુના પ્રભાવે તેમના જીવનનો પાયો મજબૂત કર્યો.

તેમના કૌશલ્યના બળે વડોદરાની ખ્યાતનામ એમ. એસ. યુનિવર્સિટીમાં નેશનલ મેરિટ સ્કોલરશિપ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સદભાગ્ય સાંપડ્યું. વતનની યાદ (હોમ સીકનેસ)ને કારણે પંદર દિવસ વડોદરા અને પંદર દિવસ ચલાલા રહેવાની ટેવ હોવા છતાં, તેમણે શિક્ષણને એક સાધના માની આગળ ધપવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ સાવરકુંડલા ગુરુકુળમાં દસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કર્યા, જેઓ આજે દેશ-વિદેશમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે.*

નિવૃત્તિ બાદ પિતા-દાદાના સંસ્કારોને વરીને બિપીનભાઈ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયા. હાલ તેઓ ડિજિટલ ન્યૂઝ માધ્યમના તંત્રી તરીકે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના લોકપ્રશ્નોને વાચા આપવાનું જવાબદારીપૂર્વક કાર્ય કરી રહ્યા છે. એક શિક્ષક અને આદર્શ પત્રકાર તરીકેની આ બેવડી ભૂમિકાથી તેમને પરમ આત્મસંતોષ મળી રહ્યો છે.

શિક્ષક દિન નિમિત્તે પોતાના વિચારો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, આજે સમાજમાં શિક્ષકે પોતાનું પ્રાચીન ગૌરવ અને સ્થાન ગુમાવ્યું છે, જેના માટે આપણી સામાજિક માનસિકતા જવાબદાર છે. *જાપાન કે ઈઝરાયેલ જેવા દેશોમાંથી પ્રેરણા લઈ શિક્ષકને યોગ્ય સન્માન આપવું જરૂરી છે.* કૃષ્ણના ભગવદ્ ગીતાના સંદેશ “તમારું યુદ્ધ તમારે જાતે જ લડવું પડશે”ને યાદ કરી તેઓ ઉમેરે છે કે, જીવનના રણમેદાનમાં મુશ્કેલીઓ સામે જાતે જ લડીને વિજયી બનવું એ જ સાચો પુરુષાર્થ છે.

Related Posts