અમરેલી

સાવરકુંડલા તાલુકાના ઘડવૈયા પૂ. લલ્લુભાઈ શેઠની પૂર્ણ કદની પ્રતિમાનું થશે નિર્માણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું પરગણું અને સંત-શૂરા જોગીદાસ બાપુની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાતું સાવરકુંડલા શહેર તથા સમગ્ર કુંડલા તાલુકાના વિકાસના શિલ્પી પૂ. લલ્લુભાઈ શેઠની સ્મૃતિને અમર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને ભગીરથ કાર્યનો પ્રારંભ થયો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમાં શૈક્ષણિક, આરોગ્ય અને રોજગારી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર લલ્લુભાઈ શેઠની યાદમાં તેમની પૂર્ણ કદની પ્રતિમા શહેરના યોગ્ય અને યોગ્ય સ્થાને સ્થાપિત કરવા માટે કુંડલાના યુવા એડવોકેટ કેતનભાઈ ખુમાણ દ્વારા માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

​આ રજૂઆતને માનનીય ધારાસભ્યશ્રીએ ત્વરિત અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તાજેતરમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ જાહેરાત કરી હતી કે લલ્લુભાઈ શેઠના અજોડ યોગદાનની નોંધ લઈને ટૂંક સમયમાં જ તેમની પ્રતિમા સ્મારકનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

​કાર્યક્રમ દરમિયાન એડવોકેટ કેતનભાઈ ખુમાણ અને તેમની ટીમે માનનીય ધારાસભ્યશ્રીને પૂ. લલ્લુભાઈ શેઠની પ્રતિમા તથા સૂતરની આંટી અર્પણ કરી આદર વ્યક્ત કર્યો હતો. આ તકે કેતનભાઈએ એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે જ્યારે આ પ્રતિમાનું અનાવરણ થાય ત્યારે તે કાર્યક્રમ સાવરકુંડલાના ઇતિહાસમાં ભવ્યાતિભવ્ય રીતે યોજાય.

​પૂ. લલ્લુભાઈ શેઠે સ્થાપેલી સંસ્થાઓ આજે પણ સમગ્ર વિસ્તારના વિકાસમાં વટવૃક્ષ બનીને યોગદાન આપી રહી છે. ત્યારે તેમના ચાહકો અને બહોળા વર્ગ માટે આ નિર્ણય અત્યંત આનંદદાયક બની રહ્યો છે. યુવા એડવોકેટ કેતનભાઈ ખુમાણની આ સફળ રજૂઆતથી તેમની સમગ્ર ટીમ, સાવરકુંડલાના નાગરિકો, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, ગ્રામવાસીઓ તેમજ વિવિધ સામાજિક મંડળોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

Related Posts