અમરેલી

અમરેલી જિલ્લામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે વેગવંતુ બનતું જનજાગૃત્તિ અભિયાન

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરુપે પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃત્તિ કેળવવાના હેતુથી જિલ્લામાં વિવિધ સ્થળોએ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

પ્લાસ્ટિકના સભાનતાપૂર્વક ઉપયોગ કરવા અંગેનું અભિયાન અમરેલી જિલ્લામાં વેગવંતુ બની રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ અંતર્ગત આ વર્ષ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અંગે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડગામ મુકામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસપાસના વિસ્તારમાં ફેકવામાં આવેલા પ્લાસ્ટિકને એકઠું કરી અને વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી હતી.

જીએસઆરટીસીના સાવરકુંડલા, રાજુલા, ધારી સહિતના ડેપોમાં કાર્યરત કર્મચારીશ્રીઓએ, પ્લાસ્ટિક ઉપયોગ અટકાવવા માટે પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા.

બસમાં મુસાફરી કરતાં મુસાફરોને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઊજવણી અંતર્ગત “એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ મુજબ અમરેલી જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Related Posts