શ્રી આનંદેશ્વર મહાદેવની કૃપાથી અને ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ પરિવાર (સાવરકુંડલા) ના ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસની શિવરાત્રીના પાવન અવસરે “શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન” નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગતરોજ (તારીખ ૦૯-૦૯-૨૦૨૬, બુધવાર) ના રોજ સાંજે ૭:૦૦ કલાકથી યોજાયેલ આ દિવ્ય મહોત્સવમાં રાત્રિના ચાર પ્રહર દરમિયાન સંપૂર્ણ રાત્રિ દરમિયાન વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ મહાપૂજન પૂજ્ય સ્વામી શ્રી ભોલાનંદ ગુરુજી દ્વારા લાઈવ પ્રસારણના માધ્યમથી વિધિવત રીતે કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પધારેલ તમામ ભક્તજનો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં ભાઈઓ માટે આશ્રમ પટાંગણ તથા બહેનો માટે પટેલ વાડી (શિવાજીનગર) ખાતે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજા પૂર્વે પધારેલ તમામ ધર્મપ્રેમી જનતા માટે ફલાહાર તેમજ સવારે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગતરોજ આ મહાપૂજન દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી દિવ્ય પૂજન વિધિનો લ્હાવો લઈ પોતાના જીવનને ધન્યતા અનુભવી હતી. આશ્રમ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર સાવરકુંડલા પંથકમાં ભક્તિમય અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. એમ આશ્રમના પરમ ભક્ત અશ્ર્વિનભાઈ કથિરિયાએ જણાવ્યું હતું.












Recent Comments