અમરેલી

સાવરકુંડલામાં રખડતા પશુઓનો ત્રાસ: રસ્તા વચ્ચે અડ્ડો જમાવી બેઠેલા વાછરડાને હટાવવા એસ.ટી. કંડક્ટરે બસ નીચે ઉતરવું પડ્યું

સાવરકુંડલા શહેરમાં ટ્રાફિકની સમસ્યા તો વિકટ બની જ છે, પરંતુ તેની સાથે શહેરની મુખ્ય સડકો પર રખડતા-ભટકતા પશુઓની સમસ્યા પણ નગરજનો માટે મોટો માથાનો દુઃખાવો બની ગઈ છે. હવે આ પરિસ્થિતિ રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ હોવાથી લોકોએ પણ કોઈ અવાજ કે વિરોધ ઉઠાવ્યા વગર તેને સહજ રીતે સ્વીકારી લીધી હોય તેમ લાગી રહ્યું છે.

​ક્યારેક આ મૂંગા પશુઓ કોઈ વાહનચાલક કે રાહદારીને હડફેટે લે અને અકસ્માત સર્જાય, ત્યારે લોકોને મહિનાઓ સુધી હોસ્પિટલ કે ઘરમાં આરામ કરવો પડે છે. આવી ઘટનાઓ વખતે પશુઓ પ્રત્યે થોડો કચવાટ ચોક્કસ થાય છે, પરંતુ થોડા દિવસો બાદ લોકો ફરી એ જ મૂંગા જીવોને સારા-નરસા પ્રસંગે લાપસી, ઘાસચારો કે રોટલી આપતા નજરે પડે છે. લોકોના મનમાં આ પશુઓ પ્રત્યે કરુણા તો છે, પરંતુ સાથોસાથ એ ગંભીર સવાલ પણ ઉઠે છે કે—આ પશુઓ આવી રઝળતી સ્થિતિમાં શા માટે છે? ગૌચર ક્યાં ગયા? ગૌશાળાઓ અશક્ત અને ઘાયલ ગાયોની સંભાળ રાખે છે, પરંતુ આવી સ્થિતિ જ નિર્માણ ન થાય તે માટે પાલિકા તંત્ર અને સમાજે મળીને શું પગલાં ભરવા જોઈએ?

આવી જ એક ઘટના તાજેતરમાં સાવરકુંડલાના હાથસણી રોડ પર જોવા મળી હતી. રસ્તાની વચ્ચોવચ્ચ એક વાછરડું આરામથી આસન જમાવીને બેઠું હતું. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ગૌરવવંતી ગુજરાત એસ.ટી. બસના ડ્રાઇવરે તેને હટાવવા માટે વારંવાર હોર્ન વગાડ્યા હતા. *પરંતુ ‘રસ્તા પરથી હટે એ બીજા’ એવા મિજાજ સાથે વાછરડાએ હોર્નને તિલાંજલિ આપીને પોતાનો અડ્ડો જાળવી રાખ્યો હતો.*

​અંતે કંટાળીને ડ્રાઇવરે બસ ઊભી રાખવી પડી હતી અને *બસના કંડક્ટરે નીચે ઉતરીને વાછરડાને ગમે તેમ કરીને રસ્તા પરથી દૂર ખસેડવું પડ્યું હતું. ભારતીય સમાજની સહનશક્તિ અને સહિષ્ણુતા દર્શાવતું આવું અનોખું દ્રશ્ય સાવરકુંડલાના માર્ગો પર અવારનવાર જોવા મળે છે.* તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

Related Posts