સામાન્ય રીતે ગણેશ મહોત્સવ એટલે શેરીઓ, ગલીઓ અને ગામની ભાગોળે ઊભા કરાયેલા મોટા પંડાલો, મોટું આર્થિક રોકાણ, માર્કેટિંગ એજન્સીઓના ઝગમગતા બેનરો, પ્રતિદિન સાંસ્કૃતિક કાર્યક્રમો અને જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા ગણેશ દર્શન માટે સોશિયલ મીડિયા પર વાયરલ થતી વીડિયો ક્લિપ્સ. પરંતુ આ બધા જ ભૌતિક આડંબર વચ્ચે સાવરકુંડલા શહેરના નાગનાથ સોસાયટીના નાના નાના બાળકોએ ગણેશ ઉત્સવનો એક સાચો અને સંપૂર્ણ અલગ જ મિજાજ રજૂ કર્યો છે.
નાગનાથ સોસાયટીના પ્રવેશદ્વારથી થોડે દૂર આવેલ એક વૃક્ષ નીચે, આ ભૂલકાંઓએ *પોતે પોતાના હાથે માટીમાંથી બનાવેલા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. પ્રસિદ્ધિ અને દેખાડાથી સાવ અજાણ આ બાળમંડળની ટોળી વહેલી સવારે અને સાંજે ધૂપ-દીપ સાથે ગણપતિ બાપાના ચરણોમાં લીન જોવા મળે છે. વચમાં વચમાં બાળસહજ ભાવે ગણેશજી સાથે રીસામણાં-મનામણાં પણ ચાલે છે, જે ભક્તિના એક અનોખા રૂ૫નો સાક્ષાત્કાર કરાવે છે.*
આજના સમયમાં જ્યારે દેશ અને વિશ્વ યુદ્ધના વાદળો અને અશાંતિ વચ્ચે ઘેરાયેલા છે, ત્યારે આ નિર્દોષ બાળકો ગણેશજી પાસે વિશ્વ શાંતિ અને જગત કલ્યાણ માટે કાલાવાલા કરતા નજરે પડે છે. ગણપતિ વિદાય વેળાએ “હે બાપા, હજુ થોડા દિવસ રોકાઈ જાવ ને…” એવા વિનંતીના સુરો સાથે આ ભૂલકાંઓની આંખોમાંથી વહેતા ચોધાર અશ્રુઓ આબાલવૃદ્ધ સૌ કોઈના દિલને સ્પર્શી જાય છે.
ધર્મપ્રેમી નગરી તરીકે જાણીતા સાવરકુંડલાની ગલીએ-ગલીએ લોકો પોતાની શક્તિ અને સમજ મુજબ ગણેશ સ્થાપન અને આરાધના કરે છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રી, અહીં દરેક પર્વ શ્રદ્ધાથી ઉજવાય છે. પરંતુ આ નાના બાળકોની નિષ્કામ અને નિઃસ્વાર્થ ભક્તિ સાવરકુંડલાની એક અનોખી દેન બની રહી છે.















Recent Comments