ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ બેઠકમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત સંવાદ થયો હતો. આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, પ્રાકૃતિક કૃષિ, ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ અને ગ્રીન એનર્જી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સંબંધો ૨૦૦૦ વર્ષ જૂના છે. પ્રાચીન સમયમાં ભારતના બૌદ્ધ ભિક્ષુઓ અને ધર્મગુરુઓ મધ્ય એશિયાના વિસ્તારોમાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સંદેશ લઈને લોકોના દિલ જીતવા ગયા હતા.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના કારણે વિશ્વભરમાં કેન્સર, માઇગ્રેન અને બ્રેન ટ્યુમર જેવી જીવલેણ બીમારીઓ વધી રહી છે, ત્યારે આ બધાથી બચવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. આ દિશામાં સહયોગ વધારવા માટે કઝાકિસ્તાનના કૃષિ વૈજ્ઞાનિકોને ભારતમાં આમંત્રિત કરી વિશેષ તાલીમ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે તેઓ દર અઠવાડિયે ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કરીને, ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ આ અભિયાનને વેગ આપી રહ્યા છે.
ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારો માટે સૌથી મોટું હબ અને દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર, એનર્જી, કેમિકલ્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ગુજરાતે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે.
ગિફ્ટ સીટી વૈશ્વિક બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ માટેનું એક અદભુત કેન્દ્ર બન્યું છે, જ્યાં બેંક ઓફ અમેરિકા જેવી આંતરરાષ્ટ્રીય બેંકો કાર્યરત થઈ રહી છે. આશરે ૯૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ધોલેરા આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ડસ્ટ્રિયલ હબ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વૈશ્વિક રોકાણ માટે મોટો અવકાશ પૂરો પાડે છે.
કઝાકિસ્તાનના ભારતમાં રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ જણાવ્યું કે, આજના સમયમાં ઊર્જા એ કોઈપણ દેશની સૌથી મોટી જરૂરિયાત છે. કઝાકિસ્તાન પાસે સમગ્ર વિશ્વનો ૪૦% યુરેનિયમનો ભંડાર છે. હાલમાં ભારતને પરમાણુ ઊર્જા માટે યુરેનિયમ સપ્લાય કરનારા મુખ્ય બે દેશોમાં કઝાકિસ્તાન અને કેનેડા સામેલ છે.
શ્રી અઝામત યેસ્કારાયેવએ વધુમાં જણાવ્યું કે, હાલમાં ગુજરાત અને રાજસ્થાન સહિત ભારતના આશરે ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ કઝાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે કઝાકિસ્તાન મોટાભાગના હેલ્થ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ભારતમાંથી આયાત કરે છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંતર્ગત વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની ન્યુક્લિયર પાવર ક્ષમતાને ૧૦૦ GW સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. રાજ્યપાલશ્રીની પ્રેરણાથી ગુજરાત લોકભવનને સંપૂર્ણપણે સોલાર પાવર આધારિત બનાવીને કાર્બન ન્યુટ્રલ પરિસરમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, જે દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. રૂફટોપ સોલારના ઉપયોગમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
શ્રી અઝામત યેસ્કારાયેવએ કહ્યું કે, અગાઉ યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કઝાકિસ્તાન તરફથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સક્રિય ભાગ લીધો હતો. આગામી સમયમાં યોજાનારી સમિટમાં પણ આર્થિક અને વ્યાપારી સંબંધો વધુ ગાઢ બને તે માટે રાજ્યપાલશ્રીએ કઝાકિસ્તાનના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવ્યું હતું.

















Recent Comments