સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લિમિટેડ માત્ર આર્થિક વ્યવહારો પૂરતી સીમિત ન રહેતા, પોતાના સભાસદોના સુખ-દુઃખમાં સાથી બની સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. તાજેતરમાં બેંકના સભાસદ સ્વ. દિવ્યાબેન અશોકભાઈ પટેલનું આકસ્મિક અવસાન થતા, બેંક દ્વારા સંચાલિત ગ્રુપ વીમા પોલિસી અન્વયે તેમના વારસદારને ₹૧,૦૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ પુરા) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કરુણ પ્રસંગે બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી મીટીંગ દરમિયાન, બેંકના પદાધિકારીઓ અને ડાયરેક્ટર મંડળ દ્વારા સભાસદના વારસદાર શ્રી અશોકભાઈ પટેલને સાંત્વના પાઠવી વીમાની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે શ્રી પ્રવીણભાઈ સાવજ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી પરાગભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ માનસેતા તેમજ બેંક મેનેજર શ્રી હરેશભાઇ દોશી અને તમામ ડાયરેક્ટર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
”અમારા સભાસદો એ જ બેંકનો પરિવાર છે”
બેંકના આ સંવેદનશીલ પ્રયાસ અંગે સંચાલકોએ જણાવ્યું હતું કે, “સભાસદના આકસ્મિક અવસાનથી પરિવારમાં જે ખોટ પડી છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી. પરંતુ બેંક પોતાની સામાજિક જવાબદારી સમજીને આ દુઃખની ઘડીમાં પરિવારને આર્થિક સહયોગ આપી તેમની સાથે મજબૂતાઈથી ઉભી છે.”
બેંક દ્વારા પોતાના સભાસદોને આ પ્રકારની વીમા સુરક્ષા પૂરી પાડવામાં આવતા ગ્રાહકો અને સભાસદોમાં બેંક પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની ભાવના વધુ દ્રઢ બની છે. સહકારી ક્ષેત્રમાં શુદ્ધ સેવાના ભાવ સાથે કાર્યરત સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની આ માનવતાવાદી કામગીરીને અગ્રણીઓ અને વિવિધ વર્ગો દ્વારા વ્યાપક સરાહના મળી રહી છે.

















Recent Comments