દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં અમરેલી જિલ્લાના ધારી ખાતે વિકસિત આંબરડી સફારી પાર્ક વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે રાજ્ય સરકારની દુરંદેશી નીતિઓનું જીવંત ઉદાહરણ બનીને ઉભર્યું છે.
વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલ આ આંબરડી સફારી પાર્ક આજે અમરેલી જિલ્લાના અગત્યના પ્રવાસન કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. આશરે ૩૬૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ પાર્કના નિર્માણ પાછળ અંદાજે રૂ. ૧૦ થી ૧૨ કરોડ જેટલી રકમનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. અહીં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા, ચિતલ, ચીંકારા, નીલગાય, કાળિયાર અને વિવિધ પ્રજાતિના પક્ષીઓનું કુદરતી વાતાવરણમાં નિરીક્ષણ કરવાની અનોખી તક મળે છે.
પ્રવાસીઓની સુવિધા માટે પાર્કમાં પાર્કિંગ, રિસેપ્શન સેન્ટર, વેઇટિંગ રૂમ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, પીવાના પાણીની સુવિધા તેમજ દિવ્યાંગજનોને અનુકૂળ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. પ્રવાસીઓ સરળતાથી બુકીંગ કરી શકે છે.
આંબરડી સફારી પાર્કનું વિશેષ આકર્ષણ વિશ્વના સૌથી મોટા સિંહ સ્ટેચ્યુ પૈકીનું એક ગણાતું ભવ્ય સિંહ સ્ટેચ્યુ છે, જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેશન પણ મળ્યું છે. આ ઉપરાંત અર્બોરેટમ, પોલિનેટર પાર્ક તથા તાજેતરમાં નિર્માણ પામેલ લેપર્ડ કેજ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યા છે.
વન્યજીવ સંરક્ષણની દિશામાં પણ આ સફારી પાર્ક મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. સિંહોની આરોગ્ય સંભાળ માટે મેડિકલ એમ્બ્યુલન્સ, આધુનિક સર્જિકલ સાધનો, યુવી લાઇટ, હીટર, કૂલર અને ફોગર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અનુભવી પશુચિકિત્સક અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરો દ્વારા વન્યપ્રાણીઓની સતત દેખરેખ રાખવામાં આવે છે.
પાર્કમાં પાંચ આધુનિક સફારી બસોની સુવિધા ઉપલબ્ધ છે, જેમાંથી બે બસો એરકન્ડિશન્ડ છે. સુરક્ષિત બસ સફારી દ્વારા પ્રવાસીઓને બે અલગ-અલગ સ્થળોએ સિંહ દર્શન કરાવવામાં આવે છે, જેના કારણે પ્રવાસીઓને સિંહ દર્શનનો નિર્ભય અને રોમાંચક અનુભવ પ્રાપ્ત થાય છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧,૩૦,૯૫૮ પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી, જેના પરિણામે રૂ. ૨૦.૪૩ કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. આ આંકડા પાર્કની વધતી લોકપ્રિયતા અને અમરેલી જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે તેના મહત્વને સ્પષ્ટ કરે છે.
આંબરડી સફારી પાર્ક માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવ સંવર્ધન અને સ્થાનિક વિકાસનું પ્રેરણાદાયક મોડેલ છે. અમરેલીના ધારી ખાતે આવેલ આ વિકસિત આંબરડી સફારી પાર્ક સ્વયં પોતાની સફળતાની ગાથા વર્ણવે છે અને એ સાબિત કરે છે કે, “વારસાના ગૌરવ અને જનકલ્યાણના સંકલ્પ” સાથે સાચા અર્થમાં પ્રગતિના નવા દ્વાર ખૂલી રહ્યા છે.




















Recent Comments