અમરેલી

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવેલ ધારી નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં
તારીખ ૦૧-૦૪-૨૦૨૬થી અમલમાં મૂકવામાં આવેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો –
૨૦૨૬’ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોના કડક અમલીકરણના ભાગરૂપે, પ્રાદેશિક કમિશ્નર
નગરપાલિકાઓ (ભાવનગર ઝોન) ના માર્ગદર્શન હેઠળ આજે તારીખ ૨૪ જૂન ૨૦૨૬ના રોજ
ધારી નગરપાલિકા દ્વારા એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, ચૂંટાયેલા
પદાધિકારીઓ, સભ્યો, મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર), સેનેટરી ઇન્સ્પેક્ટર્સ, સુપરવાઈઝર્સ,
સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ એક દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સહભાગીઓને વૈજ્ઞાનિક ઢબે
કચરાના નિકાલ અને સુનિયોજિત વ્યવસ્થાપન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં
આવ્યું હતું. જેમાં મુખ્યત્વે SWM રૂલ્સ-૨૦૨૬ નો વિગતવાર પરિચય, શહેરી સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવામાં આવેલ કાનૂની જવાબદારીઓ, તેમજ સામાન્ય નાગરિકો
(Waste Generators) અને મોટા વ્યવસાયિક એકમો (Bulk Waste Generators) દ્વારા કચરાનું

યોગ્ય વર્ગીકરણ કરવા અંગેની ફરજો સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત, સ્વચ્છતા
ઝુંબેશને વધુ વેગ આપવા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની મુખ્ય પ્રેરક (Lead Facilitators)
તરીકેની સક્રિય ભૂમિકા અને સેનેટરી વર્કર્સ તેમજ સુપરવાઈઝર્સની રોજિંદી કામગીરી અને
સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું ડિજિટલ મોનિટરિંગ થાય તે હેતુથી નિયમ અનુસાર તાલીમના જીઓ-ટેગ
(Geo-Tag) ફોટોગ્રાફ્સ, વીડિયો અને ઉપસ્થિત મહાનુભાવોની યાદી સાથેનો વિગતવાર
અહેવાલ ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (SSK) ના પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો
છે, જેની રાજ્ય કક્ષાએથી સીધી સમીક્ષા કરવામાં આવશે. અંતમાં, નગરપાલિકા પ્રશાસન દ્વારા
ધારી નગરપાલિકાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર અને
વ્યવસાયના સ્થળેથી જ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ આપીને ધારી નગરપાલિકા ને
સંપૂર્ણ સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય સહયોગ આપે. વધુ માહિતી માટે
વિભાગ દ્વારા જાહેર કરાયેલ “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો – ૨૦૨૬ અને નામદાર સુપ્રીમ”
માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકાશે

Related Posts