અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં લીલીયા તાલુકાના રત્નકલાકારોના બાળકોને ચોપડા વિતરણ

લીલીયા તાલુકા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્નકલાકારોના પરિવારોના ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી મજબૂત સાધન છે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જરૂરી શૈક્ષણિક સુવિધાઓ મળવી જોઈએ. તેમણે આવા સેવાકીય કાર્યો માટે લીલીયા તાલુકા ડાયમંડ એસોસિએશનની પ્રશંસા કરી હતી.

એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે અને તેમના પરિવાર પરનો આર્થિક બોજ હળવો થાય તે હેતુથી ચોપડા અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને વાલીઓએ આ સેવાકીય પહેલ બદલ આયોજકો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts