સમગ્ર વિશ્વને પ્રેમ, ત્યાગ, શાંતિ અને અમનનો સંદેશો આપનાર શાંતિદૂત ઇસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના વિલાદત પર્વ (જશ્ને ઈદે મિલાદુન્નબી) નિમિત્તે સાવરકુંડલા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના મિશનને અનુસરીને આ પર્વ નિમિત્તે અનેકવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. શહેરની તમામ હોસ્પિટલોમાં દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું, પક્ષીઓ માટે ચણ તેમજ તમામ ગૌશાળાઓમાં ગાયો માટે રજકો પહોંચાડાયો હતો. આ ઉપરાંત, અન્નક્ષેત્ર દ્વારા ગરીબોને ભોજન તેમજ જરૂરિયાતમંદ વિધવા બહેનો અને યતિમ બાળકોને રોકડ રકમની સહાય અર્પણ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
બપોરે જોહરની નમાઝ બાદ જુમ્મા મસ્જિદથી એક શાનદાર જુલુસારંભ કરવામાં આવ્યો હતો. આ જુલુસ સંધી ચોક, ગાંધી ચોક, મણીભાઈ ચોક, રિદ્ધિ સિદ્ધિ ચોક, જુના બસ સ્ટેન્ડ, પઠાણ ફળી અને આઝાદ ચોક થઈને લીમડી ચોક ખાતે પહોંચ્યું હતું. આ પર્વની વિશેષતા એ રહી કે પીરે તરીકત સૈયદ મુનીર બાપુ કાદરી ઉમરાહની મુબારક સફરથી પરત આવીને સીધા જ જુલુસમાં શામિલ થયા હતા. શહેરના માર્ગોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા હતા, જેમાં મક્કા-મદીનાના સુંદર ફ્લોટ્સ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જુલુસ દરમિયાન રસ્તામાં વિવિધ જગ્યાએ પીરે તરીકત સૈયદ મુનીર બાપુનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં નગરજનો આ જુલુસમાં જોડાયા હતા અને મુસાફરો તથા સહભાગીઓ માટે ચા, કોફી, નાસ્તો તેમજ આઈસક્રીમ-કેન્ડીના સેવાકીય સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઉત્તમ સહકાર સાંપડ્યો હતો.















Recent Comments