સાવરકુંડલા શહેર તેમજ સમગ્ર તાલુકા પંથકમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ ખેંચાણ કરતા સમગ્ર વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. લાંબા વિરામ બાદ પણ વરસાદ ન વરસતા ખેતરોમાં ઊભો પાક સુકાઈને નિષ્ફળ જવાની આરે પહોંચી ગયો છે. પરિણામે, સ્થાનિક અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા સાવરકુંડલા તાલુકાને તાકીદે ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની માગ સાથે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ આકાશમાં ક્યારેક વાદળો અને વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે, પરંતુ મેઘરાજા મહેરબાન થવાનું નામ લેતા નથી. સતત લંબાતા વરસાદના વિરામને કારણે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ કૃષિ ક્ષેત્ર પર નભતા તમામ નાના-મોટા વ્યવસાયકારો અને મજૂર વર્ગ ભારે આર્થિક સંકટ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વરસાદના અભાવે જળાશયો અને કૂવાઓના ઊંડા જતાં પાણીને લીધે પીવાના પાણીની સમસ્યા ઘેરી બની રહી છે. સાથોસાથ, મૂંગા પશુઓ માટે ઘાસચારાની દિન-પ્રતિદિન વિકટ બનતી તંગીથી માલધારીઓ અને પશુપાલકોની ચિંતામાં બેવડો વધારો થયો છે.
આવેદનપત્ર પાઠવીને સ્થાનિકોએ રજૂઆત કરી છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર તાલુકામાં ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે. આવેદન આપ્યા બાદ હવે બોલ તંત્રના મેદાનમાં છે. રાજ્ય સરકાર આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ સાવરકુંડલા પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત-સહાયના કામો શરૂ કરે છે કે કેમ, તે તરફ સમગ્ર તાલુકાવાસીઓની મીટ મંડાયેલી છે.













Recent Comments