અમરેલી

અમરેલી જિલ્લાના ત્રાકુડા મુકામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઊઘડતી ઉષાએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

 ટેન્ટ સિટી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત યોગ સાધકો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

 તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વવ્યાપી બનાવ્યો છે. વ્યસ્તજીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.

યોગ અભ્યાસ બાદ રાજ્યપાલશ્રીએ પ્રાણાયામનો અભ્યાસ પણ કર્યો હતો અને નિયમિત પ્રાણાયામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકાના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાની માહિતી આપી હતી.

અંતે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સમગ્ર યોગાભ્યાસને શાંતિપૂર્ણ રીતે વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલશ્રીએ સુરતની રહેવાસી વિધાર્થિનીઓ જ્હાનવી દુધાત અને ક્રિવા દુધાત દ્વારા કરવામાં આવેલી યોગ પ્રસ્તુતિને બિરદાવી હતી.

રાજ્યપાલશ્રીએ યોગ અભ્યાસમાં સહભાગી થનારા સૌ ઉપસ્થિતોને નિરામય સ્વાસ્થ્ય,  ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શીવચન પાઠવ્યા હતા.

Related Posts