અમરેલી

અમરેલી જિલ્લામાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન સપ્તાહ’ની ભવ્ય ઉજવણીનું આયોજન

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી મહોત્સવના ભાગરૂપે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને જાગૃતિ લાવવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાપ્તાહિક ઉજવણીને પરિણામલક્ષી અને સંપૂર્ણ સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિશેષ સંકલન સાધીને જિલ્લાભરમાં વિશિષ્ટ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

આ સાપ્તાહિક મહોત્સવ અંતર્ગત જિલ્લામાં પ્રત્યેક દિવસ માટે મહિલા ઉત્કર્ષને વેગ આપતા વિશેષ વિષયો (Themes) નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ, ૦૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૦૩ ઓગસ્ટે બેટી બચાવો બેટી-બેટી પઢાવો દિવસ, ૦૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અને ૦૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસની વિશેષ ઉજવણી થશે. આ જ શ્રૃંખલાને આગળ ધપાવતા ૦૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૦૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ તેમજ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે ૦૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની થીમ હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં વિભિન્ન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts