અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારો મુદ્દે અસંતોષની જ્વાળા, શું વફાદારોની નારાજગી પક્ષને ભારે પડશે?

​વફાદારો ઉભા રહી ગયા 

બસ જોતા કિનારે,

ને આયાતી લોકો તરી ગયા                              નસીબના સહારે.

​કસોટી હવે પક્ષની નહીં, 

પણ કામની થશે મિત્રો ,

લોકો હવે અહિંયા મત 

આપશે માણસ વિચારે.

–“પાંધી સર”

સાવરકુંડલા નગરપાલિકાની ૩૬ બેઠકો માટેનો જંગ હવે માત્ર રાજકીય લડાઈ નહીં, પણ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. ભાજપ પાસે સ્થાનિક કાર્યકરોનું મજબૂત સંગઠન હોવા છતાં, કોંગ્રેસમાંથી આવેલા  ‘આયાતી’ નેતાઓને જે રીતે સીધી ટિકિટ આપી દેવામાં આવી છે, તેનાથી પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને આ નારાજગી સ્વાભાવિક પણ ગણી શકાય કારણ કે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા કાર્યકરોને સાઈડલાઈન કરાતા ‘શિસ્તબદ્ધ’ ગણાતા ભાજપમાં આ વખતે આંતરિક વિવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શહેરના જાગૃત મતદારો હવે માત્ર પક્ષના ચિન્હને જોઈને મતદાન કરવાના મૂડમાં નથી. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, “પક્ષ ભલે ગમે તે હોય, પણ અમારો ઉમેદવાર કામ કરે તેવો હોવો જોઈએ.” ઉમેદવારની સામાજિક છબી અને તેમના ભૂતકાળના કામો હવે ગણતરીમાં લેવાઈ રહ્યા છે. ભાજપનો આ ‘આયાતી દાવ’ મતદારોના ગળે ઉતરશે કે કેમ,? તે એક મોટો સવાલ છે.

સામે પક્ષે કોંગ્રેસ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને ચંદ્રેશભાઈ રવાણીની આગેવાનીમાં આ અસંતોષનો મહત્તમ લાભ લેવા માટે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે સામાજિક સમીકરણોને ધ્યાન રાખીને પીઢ ચહેરાઓ પર પસંદગી ઉતારી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીની હાજરીએ આ જંગને ત્રિપાંખિયો બનાવી દીધો છે, જે મતોના ધ્રુવીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

Related Posts