અમરેલી

​અમરેલીમાં કવિ રમેશ પારેખ સ્થાપિત ‘મુદ્રા’ સંસ્થાનો ભવ્ય પુનઃ પ્રારંભ

યુગંધર કવિશ્રી રમેશ પારેખ દ્વારા સ્થાપિત સાહિત્યિક સંસ્થા ‘મુદ્રા’નો પુનઃ પ્રારંભ ગત રવિવારના રોજ અમરેલીના આંગણે કાવ્યાત્મક માહોલમાં સંપન્ન થયો. પૂજ્ય મોરારિબાપુ પ્રેરિત ‘સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટ’ દ્વારા મુદ્રાનું સંચાલન કરવામાં આવશે. ગુજરાતી સાહિત્યમાં અમરેલી કેવળ ભૌગોલિક સ્થાન નથી પણ ભાવનાત્મક કેન્દ્રસ્થાને છે. આ શહેરનું વાતાવરણ કવિઓ અને સર્જકો માટે પોષક બની રહ્યું છે અને સાહિત્યમાં ‘અમરેલી ઘરાના’ તરીકે સુખ્યાત થયું છે. અમરેલી ઘરાનાને પુનઃ ચેતનવંતુ બનાવવા આ ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે.

​અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી રાજકોટના માનનીય સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ ‘મુદ્રા’ સંસ્થાના પુનઃ પ્રારંભને સાહિત્ય જગત માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી હતી. શ્રીમતી રસિલાબેન રમેશભાઈ પારેખની વિશેષ ઉપસ્થિતિમાં કવિ શ્રી વિનોદ જોશી દ્વારા કવિ શ્રી રમેશ પારેખની કવિતાઓની વિશેષતા વિશે વાત કરવામાં આવી તેમજ ભાવક શ્રેષ્ઠ શ્રી છેલભાઈ વ્યાસ દ્વારા મુદ્રાના સંસ્મરણો તાજા કરવામાં આવ્યા. મુંબઈના સંગીતકાર શ્રી સુરેશ જોશીએ પ્રારંભે હરિગીત ગાન દ્વારા માહોલને કાવ્યમય બનાવ્યો હતો. મુદ્રાના પુનઃપ્રારંભનો વિચાર અને સંસ્થાના કાર્યો વિશે સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુદ્રાના સંવાહક શ્રી પ્રણવ પંડ્યાએ વક્તવ્યમાં વિગતે વાત કરી. કાર્યક્રમની પ્રથમ બેઠકનું સંચાલન ટ્રસ્ટી – કવયિત્રી શ્રી કિંજલ જોષી દ્વારા કરવામાં આવ્યું.

​શબ્દપર્વની દ્વિતીય બેઠકમાં ગુજરાતના મૂર્ધન્ય કવિઓએ પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરીને કાવ્યહેલી વરસાવી હતી. જેમાં ​આદરણીય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ,​કવિ શ્રી વિનોદ જોશી, ​કવિ શ્રી મનોહર ત્રિવેદી, ​કવિ શ્રી અરવિંદ ભટ્ટ અને ​કવિ શ્રી ભાવેશ ભટ્ટની પ્રસ્તુતિએ શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી. કવિ સંમેલનનું સંચાલન જાણીતા સંચાલક – કવિ શ્રી મિલિંદ ગઢવીએ પોતાની આગવી અને રસપ્રદ શૈલીથી કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

વિશેષ અતિથિઓમાં રાજકોટથી ફૂલછાબ અખબારના તંત્રી શ્રી જ્વલંત છાયા, શિક્ષણવિદ શ્રી ભદ્રાયુ વચ્છરાજાની, કટાર લેખક આર.પી.જોશી, રંગકર્મી રાજુ યાજ્ઞિક, કવિ શ્રી ભાર્ગવ ઠાકર, ડૉ. ભરત કાનાબાર, વિશ્વ હિંદુ પરિષદના ડૉ. ગજેરા,  ભાવનગરથી શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશી, કવિતાકક્ષ સંસ્થાના સભ્યો, સર્વોદય સંસ્થાના શ્રી મંદાકિનીબેન પુરોહિત, અમરેલીના રાજકીય – સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. અમરેલીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટ વતી પ્રણવ પંડ્યા, હરેશભાઈ મહેતા, પ્રા. દિવ્યકાંત સૂચક, કિંજલ જોષી, કવિ શ્રી હરેશ વડાવીયા, શ્રી અશોક ખાચર, ગોપાલ ધકાણ, હર્ષિત સોનીએ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટ્રસ્ટ દ્વારા અમરેલીના તમામ સાહિત્યપ્રેમીઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts