અમરેલી

સાવરકુંડલાના અમૃત સરોવરમાં ડૂબી જતાં ૧૮ વર્ષના આશાસ્પદ યુવાનનું મોત

વિકાસના નામે ઊભી કરી દીધી                        તમે કેવી આ દીવાર,

કે અમૃત સરોવર જ બની ગયું                          કોઈના ઘરનો કાળ!

​કરોડોના ખર્ચે અહીં રોશની તો                    ઝળહળી ઉઠી મિત્રો 

પણ સુરક્ષા વિના બુઝાઈ ગયો                    એક મા-બાપનો ચિરાગ!

–“પાંધી સર”

સાવરકુંડલાના બાયપાસ રોડ પર આવેલ અમૃત સરોવર ફરી એકવાર વિવાદ અને કરુણતાનું કેન્દ્ર બન્યું છે. નજીકમાં જ લીલાપીરની ધાર પાસે રહેતા એક સામાન્ય પરિવારના ૧૮ વર્ષના આશાસ્પદ યુવાનનું સરોવરમાં નાહવા પડતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, આજે બપોરે આશરે ૧૨:૦૦ કલાકે અશ્વિન કનુભાઈ કારડીયા (ઉંમર વર્ષ ૧૮) નામનો યુવાન ઘેરથી કહ્યા વગર અમૃત સરોવરમાં નાહવા માટે ગયો હતો. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ટાઉન પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવાનને તાત્કાલિક સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અમૃત સરોવરમાં અગાઉ પણ આવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ સરોવરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીં સુરક્ષા માટે કોઈ ચોક્કસ ચોકીદાર કે રક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. એટલું જ નહીં, અહીં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી, જેને કારણે બપોરના સમયે અનેક બાળકો અને યુવાનો જીવના જોખમે અહીં નાહવા ઉતરી પડે છે.

​આ ગંભીર ઘટના બાદ જનતામાં ઉગ્ર રોષ છે. લોકો માગી રહ્યા છે કે અમૃત સરોવરના વિકાસ પાછળ આંધણ કરતા સત્તાધીશો અને અધિકારીઓ જાગે, બપોરના સમયે સરોવર વિસ્તારમાં કોઈ પ્રવેશ ન કરે તેની તકેદારી રાખવામાં આવે અને તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા તેમજ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષે જીવ ગુમાવવો ન પડે.

Related Posts