જાફરાબાદ તાલુકાના ટીંબી શહેરમાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી આર.સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આજે પણ રોડની હાલત જોઈને *લોકોમાં ભારે રોષ ફેલાયો છે.* કામની ગતિ *“ગોકુળ ગાય”* જેવી ધીમી હોવા ઉપરાંત કામગીરીમાં ગંભીર બેદરકારી અને *નબળી ગુણવત્તા* જોવા મળી રહી છે.
શહેરની અંદર ઠેર ઠેર કાંકરીઓના ઢગલા કરી દેવામાં આવ્યા છે, *ગટરો તોડી* નાખવામાં આવી છે અને રોડ ઉપર *આડેધડ મટીરીયલ પાથરી દેવાતા વેપારીઓ, વાહનચાલકો અને સામાન્ય જનતા ભારે હેરાનગતિ ભોગવી રહી છે*. લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. વેપારીઓના ધંધા ઉપર પણ માઠી અસર પડી રહી છે.
*ખાસ કરીને ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીકની સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે*, જ્યાં વાહનચાલકોને વીજ તાર નીચેથી પસાર થવું પડે છે. કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ વચ્ચે તંત્ર મૌન ધારણ કરી બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
*ચોમાસાની ઋતુ બેસવાની હોવા છતાં હજુ સુધી રોડનું કામ પૂર્ણ ન થવું એ કોન્ટ્રાક્ટર અને જવાબદાર વિભાગની ગંભીર બેદરકારી દર્શાવે છે*. જો વરસાદ શરૂ થશે તો લોકો માટે હાલત વધુ દયનીય બની જશે અને અકસ્માતોનું જોખમ પણ વધી જશે.
આ બાબતે તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના સભ્ય શ્રી *નરેશભાઈ પ્રવીણભાઈ જાદવે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે* કે ટીંબી શહેરની જનતા હવે વધુ સહન કરવાની સ્થિતિમાં નથી. તાત્કાલિક *પૂરજોશમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે.*
જો તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો ગામની જનતાને સાથે રાખી ઉગ્ર *જનઆંદોલન* અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટરની રહેશે તેમ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના સભ્ય *શ્રી નરેશભાઈ પ્રવીણભાઈ જાદવે* જણાવ્યું હતું.
ટીંબી શહેરની અંદર તાત્કાલિક આર.સી.સી. રોડ પૂર્ણ કરો નહીં તો જનઆંદોલન થશે : કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સભ્ય નરેશભાઈ જાદવ


















Recent Comments