અમરેલી

દામનગરની શાળામાં AIની દુનિયાનો પરિચય : વિશ્વવિખ્યાત સ્પીકર હિતેનભાઈ ભુતાએ વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન

દામનગર: ટેકનોલોજીના ઝડપી પરિવર્તનના યુગમાં વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નવીન દુનિયાથી પરિચિત કરવાના હેતુથી પી.એમ.શ્રી દામનગર શાળા નંબર-2 ખાતે વિશ્વવિખ્યાત સ્પીકર શ્રી હિતેનભાઈ ભુતા દ્વારા AI Agent વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો.

આ જ્ઞાનવર્ધક સેમિનારમાં શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ, શ્રીમતી ઝેડ.એમ. અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ પી.એમ.શ્રી દામનગર શાળા નંબર-2ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શ્રી હિતેનભાઈ ભુતાએ પોતાની આગવી અને રસપ્રદ શૈલીમાં વિદ્યાર્થીઓને Artificial Intelligence, AI Agent, તેની કાર્યપદ્ધતિ, ઉપયોગિતા તથા શિક્ષણ અને દૈનિક જીવનમાં AIના વિવિધ ઉપયોગો વિશે સરળ ભાષામાં સમજ આપી હતી. વિવિધ પ્રત્યક્ષ ઉદાહરણો અને રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા તેમણે વિદ્યાર્થીઓમાં AI અંગેની જિજ્ઞાસા જગાવી હતી.

સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા અને શ્રી હિતેનભાઈ ભુતાએ તેમના પ્રશ્નોના સરળ અને સંતોષકારક જવાબો આપી AIની નવીન દુનિયાને વધુ નજીકથી સમજાવી હતી. આજના ડિજિટલ યુગમાં AIનું વધતું મહત્વ અને ભવિષ્યમાં તેની સંભાવનાઓ અંગેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયું હતું.

આ સેમિનાર માત્ર ટેકનોલોજીની માહિતી પૂરતો સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને ભવિષ્યલક્ષી અભિગમ વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો હતો.

કાર્યક્રમના અંતે પી.એમ.શ્રી દામનગર શાળા નંબર-2ના સમગ્ર શાળા પરિવારે શ્રી હિતેનભાઈ ભુતાનો અમૂલ્ય સમય ફાળવી વિદ્યાર્થીઓને AI જેવી આધુનિક અને ભવિષ્યલક્ષી ટેકનોલોજી અંગે સુંદર માર્ગદર્શન આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને શાલ ઓઢાડી,પુસ્તક અને  પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓને એક મંચ પર લાવી જ્ઞાન અને ટેકનોલોજીના આ સુંદર સંગમને સાકાર કરવા બદલ આયોજકોની કામગીરીને પણ સરાહના મળી હતી.

Related Posts