ગુજરાત

મોદી સરકાર ખેડૂતોની આંખમાં ધૂળ નાખી રહી છે, સ્વામીનાથન પંચની ભલામણો માત્ર કાગળ પર : મુકુલ વાસનિક

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે મોદી સરકાર સતત ખેડૂતોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે. ચૂંટણી સમયે ખેડૂતોને MSPના મોટા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તે ભૂલી જવાય છે. એક તરફ સરકાર ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ‘ભારત રત્ન’થી સન્માનિત કરે છે, જ્યારે બીજી તરફ સ્વામીનાથન પંચની ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર નફા સાથે ભાવ આપવાની ભલામણોને અમલમાં મૂકવામાં આવતી નથી.

શ્રી વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત આજે યોગ્ય ભાવના અભાવે, વધતા ખેતી ખર્ચ, ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવવધારા, પાક નુકસાની, અપૂરતા વળતર, પાક વીમા યોજનાની ખામીઓ તેમજ સિંચાઈ અને વીજળીની સમસ્યાઓના કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરે છે કે સ્વામીનાથન પંચની ભલામણોનો કાનૂની ગેરંટી સાથે અમલ કરવામાં આવે, ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવની ખાતરી આપવામાં આવે અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ   રાજ્યમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદ બાદ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, માત્ર પ્રથમ વરસાદમાં જ ભાજપ સરકારના વિકાસના દાવા, પ્રી-મોન્સૂન કામગીરીના દાવા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના તમામ દાવાઓ પાણીમાં વહી ગયા છે. આજે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ ધોવાઈ રહ્યા છે, મોટા ભુવા પડી રહ્યા છે, બ્રિજોને નુકસાન પહોંચી રહ્યું છે, શહેરો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અને સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવાના દાવા કરે છે. ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રસ્તાઓનું સમારકામ અને જોખમી વિસ્તારોમાં પૂર્વ તૈયારી અંગે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદે સાબિત કરી દીધું છે કે આ તમામ કામગીરી માત્ર કાગળો અને સરકારી જાહેરાતો પૂરતી જ મર્યાદિત રહી છે.

સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો અને તાલુકાઓમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક સ્થળોએ મોટા ભુવા પડ્યા છે, અનેક પુલોને નુકસાન થયું છે અને પાણી ભરાવાના કારણે લાખો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ જેવી કુદરતી ઘટના સામે પણ સરકારની તૈયારીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. વિકાસના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ જ સુચારૂ રીતે ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ભાજપ સરકારના બોદા વહીવટની સાબિતી છે.

ખાસ કરીને સુરત શહેરની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે સમગ્ર સુરત શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે, હજારો વાહનોને નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં ૯ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ માત્ર કુદરતી આપત્તિનું પરિણામ નથી, પરંતુ સરકારની નિષ્ફળતા, ગેરઆયોજન અને ગુનાહિત બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની ભાજપ સરકારે અને સ્થાનિક વહીવટીતંત્રે સ્વીકારવી જોઈએ.

સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો અને રાજ્ય સરકારની નિષ્ફળતા, બેદરકારી તથા ગેરઆયોજિત શહેરી વિકાસના કારણે આજે સુરતની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ગેરકાયદેસર બાંધકામો, કુદરતી વરસાદી પાણીના માર્ગો પર દબાણ, મંજૂરી વગરના વિકાસકાર્યો અને નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી છે. સત્તાધીશોએ પોતાના માનીતાઓને લાભ પહોંચાડવા માટે નિયમોને નેવે મૂક્યા છે, જેના પરિણામે આજે સામાન્ય નાગરિકો પોતાના જાનમાલનું નુકસાન સહન કરવા મજબૂર બન્યા છે.

રાજ્ય સરકાર જાહેરાતો અને પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ નાગરિકોની સુરક્ષા, શહેરોનું વૈજ્ઞાનિક આયોજન અને વરસાદી આપત્તિ સામેની પૂર્વ તૈયારીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરે છે કે સુરત સહિત રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે, મૃત્યુ પામેલા તમામ નાગરિકોના પરિવારોને યોગ્ય વળતર અને વિશેષ સહાય આપવામાં આવે, અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓ અને નાના ઉદ્યોગોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને સહાય ચૂકવવામાં આવે તેમજ પ્રી-મોન્સૂન કામગીરીમાં થયેલા ખર્ચ, ટેન્ડરો અને કામોની ઉચ્ચસ્તરીય, સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરીને ભ્રષ્ટાચાર તથા બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાત કોંગ્રેસ આ મુશ્કેલ સમયમાં દરેક અસરગ્રસ્ત પરિવારની પડખે મજબૂતીથી ઊભી છે. કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક સંગઠનોને રાહત કામગીરીમાં સક્રિયપણે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસ પરિવાર સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે કાર્યરત છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સર્જાયેલી આ સ્થિતિ માત્ર વરસાદનું પરિણામ નથી, પરંતુ વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, આયોજનના અભાવ અને ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. હવે સરકાર પ્રચાર નહીં પરંતુ પોતાની જવાબદારી સ્વીકારે, દોષિતો સામે કડક કાર્યવાહી કરે અને અસરગ્રસ્ત જનતાને તાત્કાલિક ન્યાય તથા સહાય પૂરી પાડે.

Related Posts