ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની આગવી છાપ અને ઓળખ સ્થાપિત કરનારી સંસ્થા તરીકે હવે “ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ” સૌના હૈયે અને હોઠે ચડી છે. શિક્ષકોના કૌશલ્ય અને જ્ઞાનમાં ગુણવત્તાસભર ઉમેરો કરવો, સામાજિક દાયિત્વ પૂર્ણ કરવું, શિક્ષકત્વનું બહુમાન કરવું અને પ્રેરણા બનવું જેવાં કાર્યો આ સંસ્થાએ અનેક મોરચે કર્યાં છે. તેથી તે હવે ગુજરાતના તમામ પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોનું પોતિકું આંગણું બની ગઈ છે.
સંસ્થાના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે, આગામી તા. 5-6 નવેમ્બરના રોજ સરસ્વતી વિદ્યા મંડળ, અમદાવાદના સહયોગથી સંગોષ્ઠિ-10નું આયોજન" કાવ્ય શિક્ષણ" ના વિષય પર કરવામાં આવ્યું છે. જેમાં તા. 5 ગુરુવારના પ્રથમ ઉદ્ઘાટન સત્રમાં પ્રમુખ સ્થાને મા. શ્રી હિતેષભાઈ બારોટ (મેયરશ્રી, અમદાવાદ), અતિથિ વિશેષ તરીકે પ્રજ્ઞેશભાઈ પટેલ (ચેરમેન, સ્કૂલ બોર્ડ, અમદાવાદ) તથા મુખ્ય મહેમાન પદે ડો. મનોજ શાસ્ત્રી (અધ્યક્ષ, શિક્ષણ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી), શ્રી ભરતભાઈ ચૌધરી (પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ), શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે (સંચાલક, સરસ્વતી વિદ્યા મંડળ) વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે.આ સત્ર દરમિયાન શિક્ષણ સંવેદનાના સાથીઓનુ સન્માન થશે તથા વિશેષાંક 'દિપ સે દિપ જલે'નુ વિમોચન થશે.
બીજા નરસિંહ મહેતા સત્રમાં ડો. સંજય મકવાણા “ગુજરાતી કવિતાની સમૃદ્ધિ” પર અને શ્રી પ્રણવભાઈ ત્રિવેદી (સર્જક) “કેળવણીમાં કાવ્ય: કેડી નહીં રાજમાર્ગ” પર વ્યાખ્યાન આપશે. સાંજના કવિ મુશાયરામાં કવયિત્રી અને સંચાલિકા ગોપાલી બુચ તથા કવિગણ ગાર્ગી પંડ્યા, કૃષ્ણ દવે, અર્ચના ભટ્ટ-પટેલ, જ્યોતિ ભટ્ટ વગેરે કાવ્યપઠન કરશે.
બીજા દિવસે તા. 6 શુક્રવારે કલાપી સત્રમાં શ્રી મીનેશ વાળંદ “નવી શિક્ષણ નીતિ: બદલાયેલા વર્ગખંડોનું દર્શન” અને શ્રી કલ્પેશ પટેલ “કાવ્યનું રસદર્શન” કરાવશે.
સમાપન સમારોહમાં મહેમાનો તરીકે શ્રી ધીરેન વ્યાસ, ડો. મહેશ ઠક્કર, બિલ્ડર શ્રી સુનિલ પટેલ હાજર રહેશે.
આ સમગ્ર કાર્યક્રમને સંયોજક શ્રી વિમલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, ડો. પ્રદિપસિંહ સિંધા, સંજયભાઈ મકવાણા, જીતુભાઈ જોશી તથા ભગવતદાન ગઢવી આખરી ઓપ આપી રહ્યા છે. શ્રી શ્યામજીભાઈ દેસાઈ પણ સંકલન કરી રહ્યા છે. યજમાન સંસ્થાના સંયોજક શ્રી દિલીપસિંહ સોલંકી પણ કાર્યક્રમની સફળતા માટે મથામણ કરી રહ્યા છે.