વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતે આવેલા “મીમ-સીટી” પ્રોજેક્ટમાં જમીન માલિક અને ડેવલપર્સ વચ્ચેના આંતરિક વિવાદના કારણે લાંબા સમયથી અટવાયેલા મકાનના દસ્તાવેજોનો પ્રશ્ન વડોદરા ગ્રામ્ય પોલીસની સક્રિય મધ્યસ્થીથી સફળતાપૂર્વક ઉકેલાયો છે અને તેરા તુજકો અર્પણ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી તે તમામને મકાનના દસ્તાવેજો અને ચાવી સુપ્રત કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટમાં ૧૧ જેટલા અરજદારોએ મકાન બુક કરાવીને નક્કી કરેલી તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં, મૂળ માલિક અને ડેવલપર્સ વચ્ચે ચાલી રહેલા મતભેદોના કારણે તેમને મકાનના કાયદેસરના દસ્તાવેજ કરી આપવામાં આવતા ન હતા.
પોતાની મહેનતની કમાણી ચૂકવી દીધા પછી પણ પોતાના હકના ઘરના દસ્તાવેજથી વંચિત રહેલા આ અરજદારોએ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીને રૂબરૂ મળીને સમગ્ર વિગતવાર રજૂઆત કરી હતી.
અરજદારોની રજૂઆતને ગંભીરતાથી લઈ પોલીસ અધિક્ષકશ્રીએ સામાન્ય નાગરિકોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષકશ્રી (ડભોઈ ડિવિઝન)ના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસે સમગ્ર કેસની તટસ્થ તપાસ હાથ ધરી હતી.
પોલીસે પ્રોજેક્ટના મૂળ માલિક તેમજ ડેવલપર્સ સાથે યોગ્ય સંકલન સાધી, બંને પક્ષોને વિશ્વાસમાં લઈ બેઠકો યોજી હતી અને લાંબા સમયથી ચાલતા વિવાદનું સકારાત્મક નિરાકરણ લાવવામાં સફળતા મેળવી હતી. પોલીસની આ સુમેળભરી દરમિયાનગીરીના પરિણામે, આશરે ₹૨.૭૫ કરોડની કિંમતના તમામ ૧૧ મકાનોના કાયદેસરના દસ્તાવેજો તૈયાર કરાવી અરજદારોના સપનાના ઘરનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરી અનુસંધાને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આજે લાભાર્થી અરજદારો—મુમતાજબાનુ રફીકભાઈ વ્હોરા, ઇમરાનખાન મહોયુદ્દીન અંસારી, નિસાર અહેમદ મોહિદ્દીન બારમારે તથા નાઝનીન નિસાર અહેમદ બારમારે, સમીરમેહદી દિલાવરભાઈ બાન્ડવાલા, પહેલવાન હસના નાદેઅલી, રૂકશાન દિલાવર શેખ, વાસીફખાન અનીસુલ હસન પઠાણ, મુરશીદ ઇરફાન સિદ્દીકી, તનઝીલા અલીઅસગર ભાઈસાહેબ, સરસણવાલા બુરહાન હુસેન તેમજ મોહંમદ હમીદુલ્લાહ મોહંમદ વલીઉલ્લાહને મકાનના દસ્તાવેજ અને ચાવી સુપરત કરવામાં આવ્યા હતા.
ખાનગી વિવાદમાં પણ સામાન્ય નાગરિકોના હકનું રક્ષણ કરી ન્યાય અપાવવા બદલ તમામ લાભાર્થીઓએ ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.