ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રીય એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની અદભુત અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ ઉજવણીને માત્ર કેવડિયા પૂરતી મર્યાદિત ન રાખતા, રાજ્યના ૧૮,૦૦૦થી વધુ ગામો, તમામ ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૨ નગરપાલિકાઓમાં વ્યાપક લોકભાગીદારી સાથે લોકઉત્સવમાં પરિવર્તિત કરી હતી.
આ ભવ્ય આયોજનના પ્રસારણ માટે વ્યાપક ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ગુજરાતભરના અંદાજે ૧.૩૨ કરોડ નાગરિકો વર્ચ્યુઅલ અને પ્રત્યક્ષ માધ્યમથી સહભાગી બન્યા હતા. આ જનજાગૃતિ અને ઐતિહાસિક સહભાગિતાને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન” દ્વારા રેકોર્ડ સ્થાને માન્યતા આપવામાં આવી છે, જેનું સર્ટિફિકેટ આજની કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગર્વભેર રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના હસ્તે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”ના ૨૪મા હપ્તાની સહાય દેશભરના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ડી.બી.ટી. (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી.
બનાસકાંઠા ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમના રાજ્યવ્યાપી લાઈવ ટેલિકાસ્ટ અને સ્થાનિક કક્ષાના આયોજનો દ્વારા ગુજરાતભરમાંથી કુલ આશરે ૨૧.૮૭ લાખ ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ તકે જિલ્લા, તાલુકા, KVK, PMKSK તેમજ FPO કક્ષાએ યોજાયેલા કાર્યક્રમોમાં પ્રગતિશીલ ખેડૂતોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.