મહુવા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) ખાતે ઘરેલુ હિંસાની ફરિયાદના સંદર્ભમાં કાઉન્સેલિંગ અને સફળ
મધ્યસ્થી દ્વારા ૧૧ વર્ષના લગ્નજીવનને તૂટતું બચાવી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે.
લગ્નજીવનનાં ૧૧ વર્ષ દરમિયાન દંપતીને બે સંતાનો છે. જોકે, પારિવારિક મતભેદો અને શારીરિક તથા માનસિક
હેરાનગતિના કારણે અરજદાર મહિલા છેલ્લા બે વર્ષથી પિયર રહેતાં હતાં. આ અંગે તેમણે મહિલા સહાયતા કેન્દ્રમાં
અરજી કરી હતી.
અરજીના અનુસંધાને PBSC મહુવા દ્વારા પતિ-પત્ની તથા પરિવારના સભ્યોને કેન્દ્ર ખાતે બોલાવી વ્યક્તિગત અને
સામૂહિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન બંને ભાઈઓ અને તેમની પત્નીઓ વારાફરતી
સાસુ-સસરા સાથે રહેતા હોવાથી પારિવારિક સંબંધોમાં ઊભા થતા મતભેદો અને તેના કારણે સર્જાતી તકરારો અંગે
ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોને પરસ્પર સમજણ, સંવાદ અને સહનશીલતાનું મહત્ત્વ સમજાવી પારિવારિક
સંબંધો સુમેળભર્યા બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્થિક મુશ્કેલીના સમયમાં એકબીજાને
સહકાર આપવાની આવશ્યકતા તેમજ દાંપત્યજીવનના મતભેદોની બાળકોના માનસિક વિકાસ અને ભવિષ્ય પર થતી
અસરો અંગે પણ સમજ આપવામાં આવી હતી.
સેન્ટરના કાઉન્સેલરો દ્વારા સતત સમજાવટ અને અસરકારક કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષકારોને પોતાની ભૂલોનો
અહેસાસ થયો હતો. અંતે પતિ-પત્નીએ પરસ્પર સમજણ અને સહકારથી સાથે રહેવા તથા બાળકોના હિતને સર્વોપરી
રાખવા સંમતિ દર્શાવી હતી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે અંગે બંને પક્ષો પાસેથી લેખિત
બાંહેધરી મેળવી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
આ સફળ મધ્યસ્થી બદલ દંપતીએ PBSC મહુવાના કાઉન્સેલર બહેનો જીજ્ઞાબેન ગોસ્વામી અને હેતલબેન મકવાણાનો
આભાર વ્યક્ત કર્યો હતો.