પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) શહેર પેટા વિભાગીય કચેરી-૨, અમરેલી દ્વારા ગ્રીન પાર્ક વિસ્તારમાં આયોજિત સમારોહમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી શહેરના ૦૩ નવા ૧૧ કે.વી. અર્બન ફીડરોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા ફીડરો કાર્યરત થવાથી અમરેલી શહેર પેટા વિભાગીય કચેરી-૨ હેઠળના આશરે ૨૧,૦૦૦ ગ્રાહકો પૈકી ૭,૦૦૦ ગ્રાહકોને નિયમિત, સુરક્ષિત અને અવિરત વીજ પુરવઠાનો લાભ મળશે. આ પ્રસંગે ઊર્જા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ‘સંવાદ સેતુ’ કાર્યક્રમ પણ યોજાયો હતો.
સમારોહને સંબોધતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમરેલી શહેર સહિત સમગ્ર વિસ્તારના વીજ માળખાને આધુનિક બનાવવા રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ. ૧,૦૦૦ કરોડનું માતબર પેકેજ મંજૂર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેતીવાડી, જ્યોતિગ્રામ યોજના સહિત સમગ્ર અમરેલી શહેરના વીજ વાયરો બદલીને એમ.વી.સી.સી. (MVCC) કેબલિંગ તેમજ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં અમરેલીના નાગરિકોને મેગા સિટી જેવી આધુનિક, ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ સુવિધા ઉપલબ્ધ બનશે.
આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને આગોતરું આયોજન કરવા અને રિવર્સ ટાઈમટેબલ તૈયાર કરીને કામગીરી ઝડપથી આગળ વધારવા તાકીદ કરી હતી. તેમણે અમરેલી જિલ્લામાં ઊર્જા વિભાગની કચેરીઓ પણ આધુનિક અને મોડેલ બને તે દિશામાં શ્રેષ્ઠ આયોજન કરવા સૂચન કર્યું હતું.
મંત્રીશ્રીએ ઉનાળો, ચોમાસું કે શિયાળો હોય કે પછી તહેવારોના દિવસો, દરેક પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દૂર રહીને પ્રજાજનોની સેવા માટે ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવતા પીજીવીસીએલના લાઇન સ્ટાફ અને કર્મચારીઓની સમર્પિત કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.