અમરેલી

સાવરકુંડલામાં તંત્રના દસ વર્ષના ‘વાયદા’થી જનતા ત્રાહીમામ: સ્મશાનની જર્જરીત દિવાલ મુદ્દે રહીશોનો આક્રોશ..

સાવરકુંડલાના કુંડલા વિભાગમાં આવેલું સ્મશાન હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનું ઉદાહરણ બની ગયું છે. આ સ્મશાનની દિવાલ અડધી ધરાશાયી થઈ ચૂકી છે અને બાકી રહેલો હિસ્સો અત્યંત જર્જરીત હાલતમાં ઊભો છે, જે કોઈ  હોનારતને પણ આમંત્રણ આપી શકે છે સ્મશાનને અડીને જ આવેલી શોરાવાડી સોસાયટીના રહીશો આ પરિસ્થિતિથી ત્રાહીમામ પોકારી ગયા છે.

​શોરાવાડી સોસાયટીના લેટર પેડ પર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ ‘શૂન્ય’ આવ્યું છે. નગરપાલિકા દ્વારા છેલ્લા દસ વર્ષથી રહીશોને માત્ર એક જ ‘લોલીપોપ’ આપવામાં આવે છે કે “ગ્રાન્ટ આવશે ત્યારે કામ થશે”. દસ-દસ વર્ષનો લાંબો સમય વિતી જવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે આશ્વાસનોથી કંટાળેલા સોસાયટીના રહીશોએ કેસરીનંદન હનુમાનજીના શરણે જઈ પ્રાર્થના કરી છે કે, પ્રભુ આ સત્તાધીશોને વહેલી તકે સાચી બુદ્ધિ આપે જેથી આ દિવાલનો પ્રશ્ન ઉકેલાઈ શકે.

​”વાદા તેરા વાદા…” અને “જાવ કાબરબેન કાલ સવારે વહેલા આવું છું” જેવા લોકપ્રિય કટાક્ષો વચ્ચે શહેરના બુદ્ધિજીવી વર્ગમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે. લોકો તીખો વ્યંગ કરતા પૂછી રહ્યા છે કે “શું સઘળું સ્મશાનવત થઈ જશે પછી જ તંત્ર જાગશે કે ગ્રાન્ટ આવી ગઈ હોં…?” સ્થાનિકોમાં ઊઠેલા આ ભારે આક્રોશ બાદ હવે જોવાનું એ રહે છે કે નિદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે.

Related Posts