માનવજાત પોતાના ઘર, પરિવાર અને ભવિષ્યના ભરણપોષણ માટે ગમે તેટલા આયોજનો કરે, પણ અંતે તો આખી જીવસૃષ્ટિનો આધાર પરમ કૃપાળુ પરમાત્મા પર જ છે. આવી જ એક લાગણીસભર અને આધ્યાત્મિક બોધ આપતી ઘટના ભાદરવી અમાસના પવિત્ર દિવસે સાવરકુંડલા શહેરમાં આવેલ નાગનાથ સોસાયટી ખાતે સામે આવી છે.
શિવમંદિરમાં આવેલ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવા જતાં શ્રદ્ધાળુઓ અને આસપાસના રહીશોએ સોસાયટીના જાહેર રસ્તા પર એક રખડતી ગાયને નવજાત વાછરડાને જન્મ આપતાં જોઈ. પ્રસુતિ બાદ તાજું જન્મેલું વાછરડું આંખો ખોલી ઊભું થવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું હતું. જન્મ-મૃત્યુ એ તો કુદરતી પ્રક્રિયા છે, પરંતુ ખુલ્લા રસ્તા પર જન્મેલા આ અસહાય વાછરડાને રખડતા કૂતરાઓના શિકારથી બચાવવું અત્યંત જરૂરી હતું.
આ પરિસ્થિતિ જોતાં જ આસપાસના પડોશીઓ અને શેરીજનો માનવતા દાખવી લાકડીઓ લઈને ખડેપગે સેવા માટે ઊભા રહી ગયા. લગભગ એકાદ કલાક સુધી વાછરડા અને ગાયની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી. આ દરમિયાન ગાય અને વાછરડાના વારસદાર કે માલિકને શોધવાના પ્રયાસો શરૂ કરાયા, જેના સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્યપતિ કરશનભાઈ આલને પણ ફોન દ્વારા જાણ કરવામાં આવી.
થોડી વારમાં હાથમાં લાકડી સાથે એક ગોપાલક ત્યાં આવી પહોંચ્યા અને તેમણે ગાય પોતાની હોવાનો દાવો કર્યો. તેઓ નવજાત વાછરડાને વહાલથી બાથમાં લઈને ચાલતા થયા અને ગાય પણ મમતાભરી નજરે પોતાના સંતાનની પાછળ પાછળ ચાલવા લાગી. *આ લાગણીસભર ક્ષણોએ ત્યાં ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા.*
આ ઘટનાએ સૌને વિચારતા કરી મૂક્યા છે કે *‘કીડીને કણ અને હાથીને મણ’ આપનારો એ સર્વશક્તિમાન કુદરત જંગલ, કંદરા, સાગર અને વણખેડાયેલી ભૂમિ પરના દરેક જીવનું જતન કરે છે. માનવી ભલે એ અજ્ઞાનતામાં જીવે કે તેના વગર સૃષ્ટિ નહીં ચાલે, પરંતુ નરસિંહ મહેતાના કહ્યા મુજબ “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે” – કર્તાહર્તા તો માત્ર ઈશ્વર જ છે.* જીવનનો ખરો સાર સમજવા માટે તો ગંગાસતીના કથન મુજબ *“વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” જેવા માત્ર એક ક્ષણના ઝબકારાની જ જરૂર હોય છે, જે વાલિયા લૂંટારા કે જેસલ જાડેજાને થયો હતો.*
















Recent Comments